ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રથમવાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ ટુ નો ઓપ્શન આપવામાં આવ્યો છે. માર્ચ 2024માં લેવાયેલ પરીક્ષા અને પૂરક પરીક્ષા બંનેમાંથી ઉંચા પરિણામની પસંદગી વિદ્યાર્થીઓને મળશે. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ જે વિષયમાં નાપાસ થયા હોય એટલા વિષયની અથવા તમામ વિષયની લેખિત પરીક્ષા આપી શકશે.

માર્ચ 2024ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ પણ જેટલા વિષયની પૂરક પરીક્ષા આપવી હોય તે આપી શકશે. વિજ્ઞાન પ્રવાહના રીપીટર વિદ્યાર્થીઓ રીપીટર વિષયોનીજ પૂરક પરીક્ષા આપી શકશે. ધોરણ 12 સાયન્સમાં પ્રેક્ટીકલમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ જ પ્રેક્ટીકલની પૂરક પરીક્ષા આપી શકશે. પ્રથમ વાર શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પરિણામ સુધારવા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર પ્રથમ વખત બોર્ડ દ્વારા ધો. 12 વિજ્ઞાન પ્રવાહનાં ઉમેદવારો માટે બેસ્ટ ઓફ ટુનો વિકલ્પ અપાયો છે. જેમાં જે વિદ્યાર્થી ઉર્તીર્ણ થયેલા છે એ વિદ્યાર્થી પણ તેમની થીયરીનાં વિષયોમાં સુધારો કરવા માંગતા હોય તો તે પૂરક પરીક્ષામાં આપી શકશે અને માર્ચની તેમજ પૂરક પરીક્ષા બંનેમાંથી જે સારા ગુણ હશે. તે ગણતરીમાં લેવામાં આવશે. એજ પ્રમાણે કોઈ પરીક્ષાર્થી નાપાસ થયેલ છે તો નાપાસ થયેલા વિષયની પૂરક પરીક્ષા પણ આપી શકે અને તે ઈચ્છે તો જે માર્ચમાં એપિયર થયેલ છે. તે વિષયની પણ પરીક્ષા આપી શકે છે. એક અથવા એકથી વધારે વિષયોમાં તેનું પરિણામ સુધારવા માટે એ પૂરક પરીક્ષા આપી શકશે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહમાં કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 97.97 ટકા પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું 47.98 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જીલ્લાનું સૌથી વધુ 92.80 ટકા પરિણામ જાહેર થયું. તો છોટા ઉદેપુર જીલ્લાનું સૌથી ઓછું પરિણામ 51.36 ટકા જાહેર થયું હતું.