Aravalli News: અરવલ્લી જિલ્લાના શામળાજીમાં ઘરેલુ હિંસાની ગંભીર ઘટના સામે આવી છે. શામળાપુરમાં ઘરકામ બાબતે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં પતિએ પત્નીના માથા પર કુહાડીથી હુમલો કર્યો હોવાનો આરોપ છે. ગંભીર ઈજાઓને કારણે પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
મળતી માહિતી મુજબ, મૃતક કૈલાશબેન અને તેમના પતિ પ્રભુદાસ ગામેતી વચ્ચે ઘરકામને લઈને બપોરના સમયે બોલાચાલી થઈ હતી. દરમિયાન કૈલાશબેનની ચીસો સાંભળીને નજીકમાં રહેતી નીલમબેન અને વિનીતાબેન ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે, આરોપીનો ગુસ્સો જોઈને બંને મહિલાઓ ગભરાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.
આક્ષેપ છે કે પ્રભુદાસે ગુસ્સામાં આવીને કુહાડી વડે કૈલાશબેનના માથા પર હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી કૈલાશબેન લોહીલુહાણ હાલતમાં જમીન પર પડી ગઈ હતી. હુમલા બાદ પ્રભુદાસ પત્નીના મૃતદેહ પાસે જ બેઠો રહ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ઘટનાની જાણ થતાં મૃતકનો પુત્ર દીપક ઘરે પહોંચ્યો હતો. તે સમયે તેણે માતાને લોહીના ખાબોચિયામાં પડેલી જોઈ હતી. દીપકે તેની માતાને જગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બોલતી નહોતી. નજીકમાં બેઠેલા પિતાએ પણ તેની માતા મૃત જેવી દેખાતી હોવાનું જણાવ્યું હતું.
દીપકની ફરિયાદના આધારે શામળાજી પોલીસે પ્રભુદાસ ગામેતી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઘટનાની જાણ થતાં શામળાજીના શામળાપુર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘરકામના સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી મહિલાના મોત સુધી પહોંચતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.




