Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ એ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે અમે પહેલાંથી કહી રહ્યા છીએ કે ભાજપ અને કોંગ્રેસ અલગ નથી, આજે પણ એક જ છે અને અત્યારે તેની સાબિતી પણ સામે આવી રહી છે. કોંગ્રેસના એક પૂર્વ ધારાસભ્યનો વિડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ મતદારોને કહે છે કે કોંગ્રેસને મત આપો અને જો ન ગમે તો ભાજપને આપી દેજો, પરંતુ આમ આદમી પાર્ટીને મત ન આપો. તેમણે વધુમાં જણાવ્યું કે આમ આદમી પાર્ટી લોકોની પાર્ટી છે, મુદ્દાઓની વાત કરે છે અને કામની રાજનીતિ કરે છે, જે કેટલીક પાર્ટીઓને ગમતું નથી. સાથે જ તેમણે ઉલ્લેખ કર્યો કે ભાજપના એક ધારાસભ્યનો પણ વિડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે કોંગ્રેસને ઉમેદવારો ઓછા પડે તો અમે તેમને ઉમેદવારો આપીએ છીએ. તેમણે જણાવ્યું કે બંને પાર્ટીઓ હવે ખુલ્લી પડી ગઈ છે અને એક દિવસ સત્ય બહાર આવે જ છે. તેમણે વિસાવદરની ચૂંટણીનું ઉદાહરણ આપતા જણાવ્યું કે ત્યાં પણ કોંગ્રેસના નેતાઓ ભાજપના કહેવા મુજબ પૈસા વાપરતા હતા અને આજે પણ કેટલાક કોંગ્રેસના ઉમેદવારોને મળતા ફંડ અંગે પારદર્શિતા નથી.

ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યુ હતુ કે ભાજપ અને કોંગ્રેસ બંને એક છે અને છેલ્લા 30 વર્ષથી આ જ પરિસ્થિતિ ચાલી રહી છે.ભાજપ સત્તામાં છે અને કોંગ્રેસ વિપક્ષમાં છે, પરંતુ બંને વચ્ચે ગોઠવણ છે. કોંગ્રેસને સત્તામાં આવવું નથી અને ભાજપને જવા દેવું નથી, જેના કારણે ખેડૂતો, બેરોજગાર યુવાનો, આઉટસોર્સિંગ કર્મચારીઓ અને મહિલાઓના પ્રશ્નો હજી સુધી ઉકેલાયા નથી, ક્રાઈમ રેટમાં ઘટાડો થયો નથી અને ગરીબ વધુ ગરીબ અને અમીર વધુ અમીર બનતો જાય છે. અંતમાં તેમણે જનતાને અપીલ કરતા જણાવ્યું કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને મત ન આપો, ભલે તેઓ ઓળખીતાં હોય, પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને સમર્થન આપો, કારણ કે તેઓ લોકો માટે લડી રહ્યા છે, મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને લોકોના હક્ક માટે મજબૂત રીતે ઊભા રહ્યા છે.