Isudan Gadhvi News: દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’ અંતર્ગત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhvi અનિશ્ચિતકાળના ધરણા પર બેઠા છે. ત્યારે મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર હોય કે કચ્છના કેટલાક વિસ્તારો હોય, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સતત ચાર અઠવાડિયાથી વરસાદ થયો નથી. તો સવાલ એ છે કે સરકાર દુષ્કાળની જાહેરાત કરે અને ખેડૂતોને પાણી તથા સિંચાઈની વ્યવસ્થા કરી આપે. પરંતુ ખબર નહીં, આ સરકારે હજુ સુધી એ જાહેરાત કરી નથી. મેં અલ્ટિમેટમ આપ્યું હતું કે ૨૯ તારીખ સુધીમાં તમે એલાન કરી દો, નહીં તો અમે સત્યાગ્રહ કરીશું. સૌથી વધુ અસરગ્રસ્ત દેવભૂમિ દ્વારકા જિલ્લો છે, ત્યારે દ્વારકા જિલ્લામાં અમારા ધારાસભ્ય હેમંતભાઈ ખવા, મનોજભાઈ સોરઠિયા, પ્રવીણભાઈ રામ સહિત અમારા જે ખેડૂત આગેવાનો છે, એ બધાએ નક્કી કર્યું કે ખેડૂતો માટે આપણે સત્યાગ્રહ કરવો જોઈએ. આજે મોટી સંખ્યામાં સ્વયંભૂ ખેડૂતો અહીં હાજર છે. આજે ખેડૂતની સ્થિતિનો વિચાર કરો, અનાજ-કરિયાણાની દુકાનોમાં પણ તેમને ઉધાર સામાન મળતો બંધ થઈ ગયો છે, કારણ કે વેપારીઓને પણ ખબર પડી ગઈ છે કે વરસાદ થયો નથી અને મોસમ નિષ્ફળ ગઈ છે. જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ખેડૂતોની સ્થિતિ કફોડી છે. ખેડૂતોએ જે બિયારણ વાવ્યું હતું તેમાંથી માંડ ૨૫ ટકા ઉગ્યું છે અને તેના માટે પણ પાણીની જરૂરિયાત છે, બાકી બધું નિષ્ફળ ગયું છે. ખેડૂતો લાઈટ બિલ પણ ભરી શકે એવી સ્થિતિમાં નથી. એટલા માટે અમે સરકાર પાસે માંગ કરીએ છીએ કે તુરંત આ માંગણીઓ સ્વીકારે. ખેડૂતો મારા પ્રાણ સમાન છે. અમારી ટીમે વાત કરી કે માત્ર ટીવીના માધ્યમથી ખેડૂતોનો અવાજ ઉઠાવવાને બદલે આજે જ્યારે ખેડૂતો પર મુશ્કેલી પડી છે, તો એ મુશ્કેલીમાં મારે પણ ભાગીદાર થવું પડે.
Isudan Gadhviએ વધુમાં જણાવ્યુ હતુ કે હું જામનગર, દ્વારકા, પોરબંદર જિલ્લાના આસપાસના તમામ ગામડાંના લોકોને વિનંતી કરું છું કે આ આપણી સૌની લડાઈ છે, ઈસુદાનભાઈ એકલાની નથી. આ આપણી હકની લડાઈ છે, આપણા અધિકાર અને ભાવિ પેઢીની લડાઈ છે, અને જો એક થઈને લડીશું તો ચોક્કસ જીતીશું. સરકારે ઝૂકવું જ પડશે. જો આપણે એક થઈને લડીશું તો પોલીસથી ડરાવશે કે અન્ય રીતે અટકાવવાનો પ્રયાસ કરશે, પરંતુ યાદ રાખજો, જો આજે આપણે એક નહીં થઈએ તો કાયમી ધોરણે આ સરકારો આપણું શોષણ કરશે. આજે બધું ભૂલીને આવી જાઓ, ઈસુદાનભાઈ તો માત્ર નિમિત્ત છે, અહીં ખેડૂત પોતાના અધિકાર માટે બેઠો છે અને હું તો માત્ર ખેડૂતોનું ઋણ ચૂકવવા બેઠો છું. ખેડૂતોની માંગણીઓ બહુ વ્યાજબી છે. એક તો દુષ્કાળની જાહેરાત કરવામાં આવે, ગૌશાળાઓને પૂરતી સહાય આપવામાં આવે, સૌની યોજના હેઠળના જે ડેમો છે તેમાંથી પાણી છોડવામાં આવે જેથી કરીને ૨૫ ટકા જે પાક બાકી છે તેને સિંચાઈનું પાણી મળી રહે, અને આ અછતગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોના લાઈટ બિલ માફ કરવામાં આવે. આ અમારી ખૂબ જ વ્યાજબી માંગણીઓ છે અને સરકાર તુરંત તેનો સ્વીકાર કરે એવી અમારી માંગ છે.




