Amreli: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બાર પટોળી ગામમાં એક બીમાર સિંહને બચાવવા ગયેલી વન વિભાગની ટીમ પર અચાનક સિંહે હુમલો કર્યો હતો, જેના કારણે ગભરાટ ફેલાયો હતો. આ ઘટના ગઈકાલે (26 સપ્ટેમ્બર) રાત્રે બચાવ કામગીરી દરમિયાન બની હતી. સિંહે વન વિભાગના કર્મચારી અને ટ્રેકર પર હુમલો કર્યો હતો. બંને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સિંહે ફોરેસ્ટર અને ટ્રેકર પર હુમલો કર્યો, બે ઘાયલ
પ્રાપ્ત માહિતી અનુસાર, બાર પટોળી ગામના વાડી વિસ્તારમાં એક સિંહ બીમાર હાલતમાં મળી આવ્યો હતો, જેના પગલે વન વિભાગની ટીમ તેને બચાવવા માટે પહોંચી હતી. બચાવ કામગીરી દરમિયાન સિંહે અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં વન અધિકારી એમ.જે. ખાવડિયા અને ટ્રેકર ભરત જોગડિયા ઘાયલ થયા હતા.
ગંભીર રીતે ઘાયલ ટ્રેકરને ભાવનગર રિફર કરવામાં આવ્યો હતો
સિંહના હુમલા બાદ, વન વિભાગના અન્ય કર્મચારીઓએ ઝડપથી કાર્યવાહી કરીને બંનેને બચાવ્યા હતા. ઘાયલ વન અધિકારી એમ.જે. ખાવડિયાને સારવાર માટે રાજુલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન, ટ્રેકર ભરત જોગડિયાને પેટમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વનકર્મીઓ પર હુમલાની માહિતી મળતાં, ડીસીએફ સહિત વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




