Ahmedabad Rath Yatra 2026: અમદાવાદમાં 16 જુલાઈએ અષાઢી બીજના પાવન અવસરે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ રાજ્યભરમાં યોજાનારી આશરે 230 રથયાત્રાઓ શાંતિ, સલામતી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્રને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ખાસ કરીને અમદાવાદની રથયાત્રાના રૂટ પર આવેલી જર્જરિત ઇમારતો અને મકાનો નજીક ભીડ એકત્ર ન થાય તે માટે મ્યુનિસિપલ તંત્રને ખાસ તકેદારી રાખવાના નિર્દેશ આપ્યા હતા.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પ્રેઝન્ટેશન દ્વારા જણાવ્યું હતું કે રથયાત્રા દરમિયાન 31 હજારથી વધુ પોલીસકર્મીઓ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહેશે. સમગ્ર યાત્રા પર નજર રાખવા માટે 65 ડ્રોન, 2,800થી વધુ બોડી-વોર્ન કેમેરા તેમજ 240થી વધુ ધાબા પોઈન્ટ પરથી સતત મોનિટરિંગ કરવામાં આવશે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ આરોગ્ય અને અગ્નિશામક સેવાઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રા દરમિયાન 15 મેડિકલ ઓફિસર, 100 આરોગ્ય કર્મચારીઓ, 31 ફાયર વાહનો અને 237 ફાયર કર્મચારીઓ તૈનાત રહેશે.

16 કિલોમીટર લાંબી આ ઐતિહાસિક રથયાત્રામાં 101 ટ્રકો, 30 અખાડા અને 18 ભજન મંડળીઓ જોડાશે, જે ભક્તિમય વાતાવરણ સર્જશે.

રથયાત્રા સૌહાર્દપૂર્ણ માહોલમાં યોજાય તે માટે અમદાવાદ શહેર પોલીસે અગાઉથી જ 69 શાંતિ સમિતિની બેઠકો, 79 મહોલ્લા સમિતિની બેઠકો અને વિવિધ સમાજોના ધાર્મિક આગેવાનો સાથે 178 બેઠક યોજી છે. ઉપરાંત કોમી એકતા મજબૂત બનાવવા બ્લડ ડોનેશન કેમ્પ, રાત્રિ ક્રિકેટ અને વોલીબોલ સ્પર્ધા, લોકડાયરા તેમજ યુવાનો સાથે સંવાદ જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ એમ.કે. દાસ, પોલીસ મહાનિદેશક જી.એસ. મલિક, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.