Junagadh: પંજાબની 2026ની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જબરદસ્ત ઐતિહાસિક જીત મેળવી છે અને નવસો જેટલી બેઠકો પર વિજય મેળવી પંજાબમાં સૌથી મજબૂત રાજકીય શક્તિ તરીકે ઉભરી આવી છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં યોજાયેલી આ ચૂંટણીને સેમિફાઇનલ તરીકે જોવામાં આવી રહી હતી, જેમાં લોકો દ્વારા આમ આદમી પાર્ટીના કામ પર મહોર લગાવવામાં આવી છે.

કોંગ્રેસ હજુ કેટલીક શહેરી બેઠકોમાં સ્પર્ધાત્મક રહી છે, જ્યારે ભાજપ અને અકાલી દળ માટે પોતાનો આધાર વિસ્તારવો પડકારરૂપ બન્યો છે. પંજાબમાં મળેલી આ ભવ્ય જીતની ખુશીમાં જૂનાગઢ ખાતે પ્રદેશ સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરીયા, જુનાગઢ જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા , માણાવદર તાલુકા પ્રમુખ રાજુભાઇ સોલંકી , ઉત્સવભાઈ છત્રાળા , દેવશીભાઈ વાણવી અને તાલુકા પંચાયત ચૂંટાયેલા સભ્ય સુરેશભાઈ વડારીયા , ભારતીબેન રાઠોડ , મહેન્દ્રભાઈ દલસાણીયા અન્ય કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને ભારત માતા કી જય, જય જવાન જય કિસાન તેમજ લડેંગે જીતેંગેના નારાઓ સાથે આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી રાજુ બોરખતરીયાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટી પ્રત્યે લોકોનો વિશ્વાસ સતત વધતો જઈ રહ્યો છે અને પંજાબની જીત એ લોકોના વિશ્વાસ અને પાર્ટીના કામની જીત છે. પંજાબની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ જબરદસ્ત જીત મેળવી છે અને નગર નિગમ તેમજ અર્બન લોકલ બોડીની ચૂંટણીઓમાં નવસો જેટલી બેઠકો પર ભવ્ય વિજય મેળવી સમગ્ર દેશની અંદર આમ આદમી પાર્ટીની મજબૂત લહેર સાબિત કરી છે.