Karan Barot AAP: ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ સંગઠનને વધુ મજબૂત બનાવવાની કવાયત શરૂ કરી છે. પ્રદેશ સંગઠન મંત્રી તથા પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે મિશન 2027 અંતર્ગત ગુજરાતમાં 2400થી વધુ પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવશે.

ડો. કરન બારોટે જણાવ્યું કે AAPનું સંગઠન ગામડાના અને છેવાડાના માણસ સુધી પહોંચે તેમજ બૂથ સ્તર સુધી પાર્ટીનું માળખું મજબૂત બને તે માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ માત્ર હોદ્દેદારોની જાહેરાત નથી, પરંતુ ગુજરાતની જનતાની સેવા માટે જવાબદારી સોંપવાની પ્રક્રિયા છે.

અમદાવાદમાં આવતીકાલે મહત્વપૂર્ણ બેઠક

આવતીકાલે અમદાવાદમાં આમ આદમી પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાય અને પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની આગેવાનીમાં યોજાનારી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, ખેડૂત નેતા પ્રવીણ રામ સહિત પાર્ટીના અન્ય અગ્રણી પદાધિકારીઓ હાજર રહેશે.

બેઠકમાં ગુજરાતની 182 વિધાનસભા બેઠકોના પ્રભારી, સંગઠન મંત્રીઓ, પ્રદેશ હોદ્દેદારો અને નવનિયુક્ત પદાધિકારીઓ ભાગ લેશે. આગામી ચૂંટણી માટે સંગઠનને કેવી રીતે વધુ મજબૂત બનાવવું અને જનતા સુધી સીધો સંપર્ક કેવી રીતે વધારવો તે અંગે ચર્ચા કરવામાં આવશે.

બૂથ સ્તર સુધી પહોંચવાનો AAPનો દાવો

Karan Barot કહ્યું કે AAP હવે ગામડાના છેવાડાના માણસથી લઈને બૂથ કાર્યકર્તા સુધી પહોંચવા માટે સંગઠનના માધ્યમથી કામ કરશે. નવું સંગઠન પાર્ટી અને ગુજરાતની જનતા વચ્ચે જીવંત સેતુ તરીકે કામ કરશે અને બૂથ સ્તરે લોકોના પ્રશ્નો ઉઠાવવાની જવાબદારી નિભાવશે.

તેમણે દાવો કર્યો કે ગુજરાતમાં વિદ્યાર્થીઓ, યુવાનો, ખેડૂતો, મજૂરો, શિક્ષણ, આરોગ્ય, મોંઘવારી અને દારૂબંધી જેવા વિવિધ મુદ્દાઓ પર આમ આદમી પાર્ટીએ મજબૂત વિરોધ પક્ષ તરીકે અવાજ ઉઠાવ્યો છે.

ખેડૂતો, બેરોજગારી અને દારૂબંધીના મુદ્દે સરકારને ઘેરી

AAP નેતાએ જણાવ્યું કે ખેડૂતો માટે દુષ્કાળની જાહેરાત અને સત્યાગ્રહનો મુદ્દો હોય કે યુવાનોની બેરોજગારીનો પ્રશ્ન હોય, પાર્ટીએ સતત જનતાના પ્રશ્નો ઉઠાવ્યા છે. ભાવનગર લઠ્ઠાકાંડ બાદ જનતા રેડ સહિતના મુદ્દાઓનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

તેમણે વધુમાં કહ્યું કે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સામે FIR થઈ હોવા છતાં જનતાના પ્રશ્નો માટે લડવાનું કામ ચાલુ રાખવામાં આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટીનું રાજકારણ સત્તાના દરવાજાથી નહીં પરંતુ ગુજરાતની જનતાના દરવાજાથી શરૂ થાય છે.

મિશન 2027 અંતર્ગત બૂથ સંગઠન પર ભાર

આવતીકાલની બેઠકમાં મુખ્યત્વે મિશન 2027 અંતર્ગત બૂથ સંગઠન નિર્માણ અને આગામી ચૂંટણી માટેની રણનીતિ અંગે ચર્ચા થશે. જનતા સાથે સીધો સંપર્ક વધારવો, તેમના પ્રશ્નો સંગઠન સુધી પહોંચાડવા અને કાર્યકર્તાઓને વધુ સક્રિય બનાવવાની દિશામાં આયોજન કરવામાં આવશે.

AAPનું કહેવું છે કે 2400થી વધુ નવા પદાધિકારીઓ સાથે સંગઠનને રાજ્યના દરેક ગામ અને બૂથ સુધી પહોંચાડીને આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીને વધુ મજબૂત બનાવવામાં આવશે.