નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Ishudan Gadhaviએ એક વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાજપે ઓબીસી કમિશનની રચના ન કરીને, અનામતને લઈને સર્વે ન કરાવીને છેલ્લા બે વર્ષ સુધી નગરપાલિકાઓમાં વહીવટી શાસન આપ્યું. બે વર્ષ સુધી નગરપાલિકાઓની ચૂંટણી રોકીને ભાજપે લોકતંત્રની હત્યા કરી. બે વર્ષ સુધી નગરપાલિકાઓમાં વહીવટી શાસન આપીને ભાજપે ભ્રષ્ટાચારને ચરમસીમાએ પહોંચાડી દીધું. નગરપાલિકાઓ પાસે લાઈટ બિલ ભરવાના પણ પૈસા ન બચે તેવી હાલત કરી દીધી. નગરપાલિકાઓમાં ભ્રષ્ટાચારને ચરમસીમાએ પહોંચાડનાર ભાજપને ગુજરાતના લોકો જવાબ આપશે.
આમ આદમી પાર્ટી તમામ નગરપાલિકાઓમાં મજબૂતાઈથી ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટી લોકોના પ્રશ્નોને લઈને, લોકોની સમસ્યાઓને લઈને અને સ્થાનિક મુદ્દાઓને લઈને ઉમેદવાર ઊભા રાખશે અને ચૂંટણી લડશે. કેજરીવાલજીનું નગરરાજનું સપનું લઈને આમ આદમી પાર્ટી આગળ વધશે. નગરરાજ અનુસાર જે સોસાયટી નક્કી કરે તે અનુસાર કોર્પોરેટર પોતાનું ફંડ વાપરશે. જો ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો હજુ સુધી નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવું કે નહીં તેના પર કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ જો કોંગ્રેસ પાર્ટી માનતી હોય કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ભાજપને હરાવી શકે છે અને તેને ધ્યાનમાં રાખીને ગઠબંધન બનાવવાનો કોઈ પ્રસ્તાવ રજૂ કરશે તો આમ આદમી પાર્ટી તેના પર જરૂર વિચાર કરશે.