વડોદરા. શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી અપ્સરા હોટલમાં રોકાયેલા અમદાવાદના યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી, પોલીસને મૃતકના ખિસ્સામાંથી પરિવારના નામ અને નંબર લખેલી ચિઠ્ઠી મળી આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદના સરદારનગર ખાતે આવેલી રમેશદત્ત કોલોનીમાં ૩૯ વર્ષીય હેમંતભાઈ નારાયણપુરી ગોસ્વામી રહેતા હતા. તેઓ ૩ દિવસ પહેલા વડોદરા આવ્યા હતા અને સયાજીગંજ વિસ્તારમાં આવેલી અપ્સરા હોટલમાં રોકાયા હતા. જ્યાં સોમવાર સાંજ સુધી હેમંતભાઈએ રૂમનો દરવાજો ન ખોલતા બારી ખોલીને જોતા હેમંતભાઈ ફાંસો

ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેથી સમગ્ર ઘટનાની જાણ સયાજીગંજ પોલીસ મથકે કરતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. જેમાં તપાસ દરમિયાન પોલીસને મૃતકના ખિસ્સામાંથી પરિવારના નામ અને નંબર લખેલી ચિઠ્ઠી મળી આવી હતી. જેના પરથી પોલીસે પરિવારનો સંપર્ક કરીને ઘટનાની જાણ કરતા પરિવારના સભ્યો પણ વડોદરા દોડી આવ્યા હતા. જેમાં તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, અઢી વર્ષ પહેલા પણ આવી જ રીતે હેમંતભાઈ ઘરેથી કોઈને કહ્યા વગર જતા રહ્યા હતા. પરંતુ તે પરત આવી ગયા હતા. ત્યારે આ વખતે પણ પરિવારને લાગ્યું કે તેઓ પરત ઘરે આવી જશે જેથી પોલીસને જાણ કરી ન હતી.