Surat Metro: સુરત. સુરતના મહત્ત્વાકાંક્ષી મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટમાં કાર ભાડેથી મેળવી બારોબાર વેચી મારવાના રાજ્યવ્યાપી રેકેટનો પર્દાફાશ થયો છે. સુરતના કુખ્યાત બુટલેગર અલ્પેશ જાડિયા આણી ટોળકીએ કરેલા આ કારસ્તાનમાં ૧૦૦થી વધુ લોકોની કારનો લટકો ફટકો થઈ ગયો છે. સુરત, અમદાવાદ, ભાવનગર, અમરેલીના લોકો ઠગ ટોળકીનો શિકાર બન્યા છે. મળતી વિગતો પ્રમાણે અમરેલીના વિઠલપુર ગામના વતની અને હાલ સુરતમાં જ રહેતો જનક ભાસ્કર આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ છે.

 જનકે સુરતના બેગમપુરામાં રહેતા લિસ્ટેડ બુટલેગર અલ્પેશ જાડિયા અને મયૂર ઉર્ફે સન્ની સાંડીસ સાથે મળી કાર ભાડેથી મેળવવાના નામે મસમોટું કૌભાંડ આચર્યુ છે. આ ટોળકી સુરતમાં મેટ્રો ટ્રેનનો મોટો પ્રોજેક્ટ ચાલે છે, જે પ્રોજેક્ટ માટે કારની જરૂરિયાત ઊભી થઇ છે, કાર મેટ્રો માટે ભાડેથી આપશો તો દર મહિને ૩૫-૪૦ હજાર ભાડું મળશે એવી લાલચ લોકોને આપતા હતા. આ રેકેટમાં સૌથી વધુ સુરતની ૩૫, અમરેલીની ૨૩ કાર વેચાઇ ગઇ છે. આ મામલે સુરતમાં ભારે ઊહાપોહ પણ મચ્યો હતો.