Gopal Italia News: આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એક અગત્યના મુદ્દે વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે પોલીસ દરેક આરોપીના વરઘોડા કાઢતી હોય એવી રીતે રીલ બનાવવામાં વ્યસ્ત થઈ ગઈ છે. જોકે પોલીસનું મૂળ કામ રીલ બનાવવાનું નથી પણ કાગળિયા (કેસ પેપર્સ) મજબૂત બનાવવાનું છે, જેથી ગમે તેવો મોટો તોપ આરોપી હોય તો પણ તેને કોર્ટમાંથી સજા થાય. પરંતુ પોલીસે કાગળ મજબૂત બનાવવાની જગ્યાએ દસ અલગ-અલગ એંગલથી સારી રીલ બનાવવાનું પસંદ કર્યું છે, કારણ કે સરકારને એ પોસાય છે અને પબ્લિકને પણ વરઘોડા જોવાની મજા આવે છે. હું પોતે નોકરી કરતો હતો ત્યારથી લઈને આજ સુધી મારો પોલીસ તંત્ર સાથે સતત વ્યવહાર રહ્યો છે. IPS અધિકારીઓથી લઈને તમામ લેવલના પોલીસકર્મીઓ સાથે મારો જથ્થાબંધ પરિચય છે. એટલે મને સારી રીતે ખબર છે કે ૯૯% કિસ્સામાં પોલીસ આરોપીને માર મારતી નથી. પોલીસવાળાને પણ પોતાની નોકરી કરવાની હોય, બાળ-બચ્ચા અને પરિવાર હોય. રીલ બનાવવાના ચક્કરમાં જો ચાર ધોકા મારી દે અને કોર્ટમાં કેસ કે FIR થાય અથવા સસ્પેન્ડ થવું પડે, તો ભાજપનો કોઈ નેતા પોલીસના પરિવારનું ભરણપોષણ કરવા આવવાનો નથી. એટલે પોલીસ જાણે છે કે માર મારવાનો નથી, પરંતુ ઉપરથી હર્ષ સંઘવીએ રીલ બનાવવાનું કહ્યું છે એટલે આરોપી પાસે સમજાવટથી, વિનંતી કરીને લંગડાતા-લંગડાતા ચાલવાનું નાટક કરાવીને રીલ બનાવી લેવાની હોય છે.

’આપ’ ધારાસભ્ય Gopal Italiaએ વધુમાં જણાવ્યું હતું કે, સૌથી મજાનો પ્રશ્ન એ છે કે તમે જોજો પોલીસ જ્યારે ‘સૂર્યવંશી’ જેવા મ્યુઝિક સાથે વરઘોડાની રીલો મૂકે છે, ત્યારે આરોપીના કપડાં ફાટી ગયેલા જોવા મળે છે. જીન્સના પેન્ટ આગળથી ઘૂંટણના ભાગેથી અને શર્ટ છાતી કે પેટના ભાગેથી ફાટેલા હોય છે. હવે પોલીસ સ્ટેશનમાં જો પોલીસ મારે, તો લાફો, ધીકો, પાટું, પટ્ટો કે ધોકો મારે. પણ ધોકો કે પટ્ટો મારવાથી પેન્ટ ઘૂંટણ પરથી આગળથી કેવી રીતે ફાટી જાય એ મને નથી સમજાતું! પોલીસ માર મારે તો હંમેશાં શરીરના પાછળના ભાગે, કમર પર કે પગની પિંડીઓ પર મારે. છાતી કે પેટ પર ધોકા મરાય તો માણસ મરી જાય અને ઘૂંટણ પર મારે તો હાડકાં ભાંગી જાય, જે પોલીસ ક્યારેય ન કરે. છતાં પણ બહાર નીકળતા તમામ આરોપીઓના કપડાં આગળથી ફાટેલા જ કેમ હોય છે? શું પોલીસ સ્ટેશનમાં એવું કંઈ રાખવામાં આવે છે કે જેનાથી કપડાં ફાટી જાય? આ ભાજપે પબ્લિકની આંખમાં ધૂળ નાખવાની દુકાન ખોલી રાખી છે. હું આ ‘સૂર્યવંશી’ વાળી ટોળકીને પૂછવા માગું છું કે તમે આરોપીઓને એવો તો કેવો માર મારો છો કે એમના કપડાં આગળથી ફાટી જાય છે?