Gujarat Statue of Unity News: ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વધુ આકર્ષક બનાવવા માટે રાજ્ય સરકારે એક નવી પહેલ શરૂ કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળના પરિવહન વિભાગ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે ખાસ AC વિસ્ટાડોમ કોચ બસ સેવા શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા શરૂ કરવામાં આવેલી આ બસોમાં પ્રવાસીઓ આરામદાયક મુસાફરીની સાથે ખુલ્લા આકાશ અને આસપાસના કુદરતી સૌંદર્યનો પણ આનંદ માણી શકશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Statue of Unity ખાતે આ નવી બસ સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે વિસ્ટાડોમ બસમાં સવારીનો અનુભવ પણ લીધો હતો. આ સેવા હવે પ્રવાસીઓ માટે ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

દરેક બસમાં માત્ર 23 ફરતી બેઠકો

વિસ્ટાડોમ બસને ખાસ ગુંબજ આકારની પારદર્શક કાચની છત સાથે તૈયાર કરવામાં આવી છે. દરેક બસમાં માત્ર 23 બેઠકો રાખવામાં આવી છે. આ બેઠકો 360 ડિગ્રી સુધી ફરી શકે તેવી અને સંપૂર્ણપણે એડજસ્ટેબલ રિક્લાઇનિંગ સુવિધા ધરાવે છે. જેથી પ્રવાસીઓ બસમાં બેસીને આસપાસનાં દૃશ્યોનો સરળતાથી આનંદ માણી શકે.

બસની બહારની બાજુએ ગુજરાતનાં વિવિધ પ્રસિદ્ધ પ્રવાસન અને ધાર્મિક સ્થળોનાં આકર્ષક ગ્રાફિક્સ દર્શાવવામાં આવ્યાં છે. તેમાં સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, અડાલજની વાવ અને ધોરડોના રણનો સમાવેશ થાય છે.

પાંચ બસો શરૂ કરવાની યોજના

GSRTC અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ કુલ પાંચ વિશિષ્ટ AC વિસ્ટાડોમ કોચ બસો શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે. પ્રથમ તબક્કામાં બે બસો શરૂ કરવામાં આવી છે, જ્યારે બાકીની ત્રણ બસ આગામી બે મહિનામાં શરૂ કરવાની યોજના છે.

એક વિસ્ટાડોમ બસની કિંમત આશરે ₹2.19 કરોડ હોવાનું જણાવાયું છે. આ બસો દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના પ્રવાસન વિસ્તારોમાં પ્રવાસીઓને એક નવો અને પ્રીમિયમ મુસાફરી અનુભવ મળશે.

હાઇ-ટેક સુવિધાઓથી સજ્જ બસો

આધુનિક સુવિધાઓથી સજ્જ આ બસોમાં પ્રીમિયમ LED સ્માર્ટ ટીવી, CCTV કેમેરા, ચા-કોફી મેકર, મિની રેફ્રિજરેટર અને મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક ફાયર ડિટેક્શન અને ફાયર સપ્રેશન સિસ્ટમ, તેમજ ઇમરજન્સી હેમર સાથે મજબૂત કાચની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે આગામી સમયમાં ગુજરાતનાં અન્ય પ્રવાસન સ્થળો અને હેરિટેજ રૂટ પર પણ તબક્કાવાર આવી બસ સેવા શરૂ કરવામાં આવશે.

GSRTC વેબસાઇટ પરથી ટિકિટ બુકિંગ

પ્રવાસીઓ GSRTCની સત્તાવાર વેબસાઇટ પરથી ટિકિટ બુક કરીને આ વિસ્ટાડોમ બસ સેવાનો લાભ લઈ શકશે. આ પહેલથી ગુજરાતમાં પ્રવાસનને પ્રોત્સાહન મળવાની સાથે દેશ-વિદેશના પ્રવાસીઓને મુસાફરીનો એક અલગ અનુભવ મળશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન અનેક નવી પહેલોનું ઉદ્ઘાટન કર્યું હતું. હાલ અહીં એકતા પ્રકાશ પર્વનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.