ગુજરાત લોકસભાની 25 બેઠકો પર તાજેતરમાં જ ચૂંટણી યોજાઈ હતી. જેનાં પરિણામ ગત રોજ જાહેર થવા પામ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવનાર 266 ઉમેદવાર પૈકી 215 જેટલા ઉમેદવારોને તેઓએ ભરેલ ડિપોઝીટ પરત મળે તેટલા પણ મત મળવા પામ્યા ન હતા. હવે આ તમામ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થશે.

લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ અમદાવાદની પૂર્વ બેઠક પર સૌથી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર ભાજપનાં હસમુખ પટેલને 7,70,459 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસનાં ઉમેદવાાર હિંમતસિંહને 3,08,704 મત મળ્યા હતા. ભાજપનાં ઉમેદવાર હસમુખ પટેલનો 4,61,755 મતોથી વિજય થયો હતો. ત્યારે અમદાવાદ પૂર્વ બેઠક પર 16 જેટલા ઉમેદવારોને ડિપોઝીટ પરત ન મળે તેટલા પણ મત ન મળતા 16 જેટલા તમામ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ જશે.

નિયમ મુજબ જે ઉમેદવારો લોકસભામાં ઉમેદવારી નોંધાવી હોય તેને ડિપોઝીટ પરત મેળવવા માટે ઉમેદવારે કુલ મતદાનનાં છઠ્ઠા ભાગનાં મત મેળવવા જરૂર હોય છે. ત્યારે આ વર્ષે ડિપોઝીટ ગુમાવનાર ઉમેદવારોની સંખ્યા ગત ચૂંટણી કરતા ઘણી ઓછી નોંધાવવા પામી છે. તેમજ ગત ચૂંટણી કરતા આ વખતે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોની સંખ્યા પણ ઓછી નોંધાવવા પામી છે. સામાન્ય કેટેગરીનાં ઉમેદવારે 25000, રિઝર્વ કેટેગરીનાં ઉમેદવારની ડિપોઝીટ રૂા. 12,500 હોય છે.

2014 માં યોજાયેલી લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો વર્ષ 2014 માં 319 જેટલા ઉમેદવારોએ ડીપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો હતો. તેમજ 25 બેઠક પૈકી 4 બેઠકમાં ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારો વચ્ચે અને ભરૂચમાં ભાજપ સામે આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર વચ્ચે જોરદાર ટક્કર રહેવા પામી હતી. જેમાં 25 બેઠકમાં પ્રથમ અને બીજા નંબરે રહેલા ઉમેદવારો સહિત 50 જેટલા ઉમેદવારોએ ડિપોઝીટ પરત મેળવી હતી. તે સિવાયનાં 215 જેટલા ઉમેદવારોએ કુલ મતદાનનાં 10 ટકા મત પણ પ્રાપ્ત ન કર્યા હોવાથી ડિપોઝીટ ગુમાવી હતી.