અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફાધર્સ ડે ની પૂર્વ સંધ્યાએ એક હ્રદયસ્પર્શી ઘટના જોવા મળી હતી. ૨૬ વર્ષીય બ્રેઇનડેડ યુવકના પિતાએ પુત્રના અંગોનું દાન કર્યું. પિતા એ અકસ્માતમાં ઇજા પામી બ્રેઇનડેડ થયેલ યુવાન પુત્ર ના અંગદાન નો નિર્ણય કરી પોતાના ઘરનો દીપક બુઝાતા બીજા ત્રણ ઘર ના દીપક ઝળહળતા કર્યા. 

સિવિલ હોસ્પિટલ ખાતે થયેલ 157 માં અંગદાનની વાત કરીએ તો છુટક મજુરી કામ કરતા ૨૬ વર્ષીય યુવાન ને ૦૭/૦૬/૨૦૨૪ ના રોજ બાઇક પર જતા એક્સિડેન્ટ થતા વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ ૧૫-૦૬-૨૦૨૪ ના રોજ ડોક્ટરોએ યુવાન ને બ્રેઈન ડેડ જાહેર કર્યા. 

યુવાન ના પરીવારમાં છુટક મજુરી કરતા એવા તેમના પિતા ને  સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરોની ટીમે પુત્ર ના બ્રેઇન ડેડ હોવા તેમજ અંગદાન વિશે સમજાવતા તેમણે કઠણ હૃદયે પુત્રના  અંગો નુ દાન કરવાનો નિર્ણય કર્યો. ઉકત ગુપ્ત અંગદાન થકી બે કીડની  તેમજ  એક લીવરનુ  દાન મળ્યુ.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે આ અંગદાનથી મળેલ કીડની તેમજ લીવર ને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલ ના જરુરીયાત્મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરી કુલ ત્રણ લોકો ની જીંદગી આપણે બચાવી શકીશુ. તેમણે એ પણ જણાવ્યુ હતુ કે સિવિલ હોસ્પિટલ અંગદાન ની ટીમ રાતદીવસ કાર્યરત છે જેના પ્રયત્નો થી છેલ્લા એક અઠવાડીયા માં બે અંગદાન સિવિલ હોસ્પિટલ ખાતે થયા છે. સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ ૧૫૭ અંગદાતાઓ થકી કુલ ૫૦૮ અંગો તેમજ ચાર સ્કીન નું દાન મળેલ છે. જેના થકી ૪૯૨ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.