Kutch Crime News: કચ્છ જિલ્લામાંથી એક ગંભીર અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 14 વર્ષની સગીરાએ પોતાના જ માતા-પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સગીરાએ પોતાના પિતા પર વારંવાર દુષ્કર્મ આચર્યાના જ્યારે માતા પર ઘટનામાં સાથ આપવાનો અને વાંધાજનક ફોટા પાડવાનો આરોપ લગાવ્યો છે.
ફરિયાદ મળ્યા બાદ પોલીસે સગીરાના માતા-પિતાની અટકાયત કરી છે અને POCSO એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ હવે સગીરાએ ફરિયાદમાં કરેલા આરોપોની તપાસ કરી રહી છે.
ફોન પર મિત્ર સાથે વાત કરતાં વિવાદ શરૂ થયો હોવાનો આરોપ
પોલીસ ફરિયાદ મુજબ સગીરા ચાર બહેનોમાંની એક છે અને તેનો પરિવાર છેલ્લા છ વર્ષથી ગુજરાતમાં રહે છે. સગીરાના જણાવ્યા અનુસાર 14 સપ્ટેમ્બરે તે ઘરે હતી અને આગ્રાના રહેવાસી શિસ્પલ ઉર્ફે ગોલુ નામના યુવક સાથે ફોન પર વાત કરી રહી હતી.
તેની માતાએ તેને ફોન પર વાત કરતા જોઈને પૂછ્યું કે તે કોની સાથે વાત કરી રહી છે. સગીરાએ મિત્ર સાથે વાત કરતી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેના પિતા ઘરે આવ્યા અને માતાએ તેમને આ અંગે જાણ કરી હતી.
સગીરાના આરોપ મુજબ આ વાતથી ગુસ્સે થયેલા પિતાએ તેની સાથે મારપીટ કરી અને તેને ઘરમાં બંધ કરી દીધી. તેને ખાવા-પીવાનું પણ ન આપ્યાનો તેણે ફરિયાદમાં આક્ષેપ કર્યો છે.
ઘરમાં બંધ રાખીને વારંવાર દુષ્કર્મનો આરોપ
ફરિયાદમાં સગીરાએ અલગ-અલગ તારીખે બનેલી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. તેના આરોપ મુજબ 15 સપ્ટેમ્બરે તેના પિતાએ તેની સાથે મારપીટ કરી અને દુષ્કર્મ આચર્યું હતું. આ સમયે તેની માતા પણ હાજર હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સગીરાએ વધુમાં 16 અને 20 સપ્ટેમ્બરની ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. 29 સપ્ટેમ્બરે પણ પિતાએ તેની સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ તેણે લગાવ્યો છે. ફરિયાદ મુજબ આ ઘટનાઓ બાદ તેને ફરીથી ઘરમાં બંધ કરી દેવામાં આવતી હતી અને બહાર જવા દેવામાં આવતી નહોતી.
કાકી પાસે પહોંચી મદદ માંગી 112 પર ફોન કર્યો
સગીરાના જણાવ્યા મુજબ 29 સપ્ટેમ્બરે સવારે તે પોતાની સોસાયટીમાં રહેતી કાકી યશોદાબેનના ઘરે પહોંચી હતી અને સમગ્ર ઘટના અંગે તેમને જાણ કરી હતી. ત્યારબાદ કાકીના ફોન પરથી પોલીસને જાણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ફરિયાદમાં સગીરાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે તેના માતા-પિતાએ તેનો ફોન લઈ લીધો હતો અને તેને ફરીથી ઘરમાં બંધ કરી દીધી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ સગીરા અંદરથી બંધ હોવાને કારણે તે સમયે પરત ફરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
1 ઓક્ટોબરની ઘટનાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ
સગીરાએ ફરિયાદમાં 1 ઓક્ટોબરની રાત્રે બનેલી ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેના આરોપ મુજબ માતા-પિતા તેને બેડરૂમમાં લઈ ગયા હતા અને ત્યાં પિતાએ ફરીથી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન માતા પણ હાજર હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સગીરાએ તેની માતા પર પોતાના વાંધાજનક ફોટા પાડવાનો પણ આરોપ લગાવ્યો છે. બીજા દિવસે પિતા કામ પર ગયા બાદ સગીરા ફરીથી કાકી પાસે પહોંચી અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
POCSO હેઠળ કેસ પોલીસ તપાસમાં લાગી
સગીરાએ ત્યારબાદ 112 અને 181 અભયમ મારફતે મદદ માગી હતી. ફરિયાદમાં કરવામાં આવેલા ગંભીર આરોપોને આધારે પોલીસે તેના માતા-પિતાની અટકાયત કરી છે અને POCSO એક્ટ સહિતની સંબંધિત કાયદાકીય કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ સગીરાએ ફરિયાદમાં અનેક તારીખો અને ઘટનાઓની વિગતો આપી છે. હવે પોલીસ આ તમામ આરોપોની તપાસ કરી રહી છે તેમજ સગીરાના નિવેદન અને અન્ય પુરાવાના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.




