Ramesh Mere AAP: આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂત પુત્ર રમેશ મેરે જણાવ્યું હતું કે ધોળકા તાલુકાના સરગવાળા ગામમાં ખેડૂતો પર ભારતીય જનતા પાર્ટીનો અત્યાચાર થઈ રહ્યો છે અને છેલ્લા 10 દિવસથી ખેડૂતો પોતાની માંગ લઈને બેઠા છે. વારસાગત અને આવનારી પેઢી માટે સાચવી રાખેલી કરોડો રૂપિયાની મહામૂલી જમીન પર નજીવું વળતર આપી પાઈપલાઈન નાખી તેની કિંમત ઘટાડવાનું આ ભાજપનું મોટું ષડયંત્ર છે. અગાઉ પણ પાઈપલાઈન નાખવાની કોશિશ વખતે ગામલોકોના વિરોધ અને કોળી સમાજના યુવા આગેવાન બ્રિજરાજભાઈ સોલંકીના દબાણ બાદ સરકારે કામ બંધ રાખ્યું હતું, પરંતુ કંપનીઓના દબાણથી ભાજપના નેતાઓએ ફરી કામ શરૂ કરાવ્યું અને પોલીસને કડકાઈથી કાર્યવાહી કરવા કામે લગાવી. કંપનીઓના દબાણ સામે સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ ઝૂકી રહ્યા છે તથા જ્યાં કોળી સમાજ અને આદિવાસી સમાજની લડત હોય ત્યાં પોલીસને હાથો બનાવી કેસ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે; ભાવનગરમાં મહિલાઓ પર લાઠીચાર્જ અને બોટાદના હડદડ કાંડમાં કોળી સમાજના ખેડૂતો તથા આગેવાનો પર લાઠીચાર્જ કરી હાથ-માથા તોડી ૩૦૭ જેવી ગંભીર કલમો લગાવી હતી, તે જ પેટર્ન આજે સરગવાળામાં જોવા મળી રહી છે.

રમેશ મેરએ વધુમાં જણાવ્યુ હતુ કે બુટલેગરો, નેતાઓ કે કંપનીઓ સામે રોફ ન બતાવતી પોલીસ માત્ર ખેડૂતો અને કોળી સમાજ સામે જ દાદાગીરી બતાવે છે, કારણ કે ભાજપ માત્ર કંપનીઓ અને ઉદ્યોગપતિઓની સરકાર છે અને જેમના મતથી સત્તામાં આવી તે કોળી તથા આદિવાસી સમાજ પર અત્યાચાર કરે છે. સતત લડત આપતા યુવા આગેવાન બ્રિજરાજ સોલંકીને ડીટેઈન કર્યા છતાં ભાજપના પેટમાં તેલ રેડાતા તેમના પર 307 જેવી ગંભીર કલમ લગાવી ધરપકડ કરાઈ, જ્યારે અમદાવાદમાં ધારાસભ્યના દીકરાની કાર નીચે કર્મચારીના મૃત્યુ બાદ તાત્કાલિક જામીન આપી દીધા. ભાજપ અને તેના નેતાઓના ઈશારે કામ કરતી પોલીસની આ રીત ચલાવી લેવામાં નહીં આવે; રમેશ મેરે કોળી સમાજ, ખેડૂત સમાજ અને યુવાનોને જાગૃત થઈ એક થવા, ભ્રષ્ટાચારી અને તાનાશાહી સરકાર સામે લડત આપવા તથા બ્રિજરાજ સોલંકી અને સરગવાળાના લડવૈયાઓને સાથ-સહકાર આપી દમનગીરીનો મુંહતોડ જવાબ આપવા અપીલ કરી હતી.