sonu sood: બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ અવારનવાર સામાન્ય લોકોને મદદ કરતા જોવા મળે છે. થોડા દિવસો પહેલા જ તેમણે નેપાળમાં પૂરગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને સ્થાનિક લોકોને મદદ પૂરી પાડી હતી. હવે સોનુ બિહારના બેગુસરાય પહોંચ્યા છે, જ્યાં તેમણે પૂરથી પ્રભાવિત વિસ્તારોનો પ્રવાસ કરીને અસરગ્રસ્તોની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
સોનુ સૂદે ગંગા નદીના કિનારે આવેલા ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર ચાલીને અને ત્યારબાદ હોડી દ્વારા કેટલાય કિલોમીટરની મુસાફરી કરી હતી. ત્યારબાદ, તેમણે મતિહાની બ્લોકના સીમા પાથલા ટોલ વિસ્તાર અને રામદિરી ગામની મુલાકાત લીધી, જ્યાં તેઓ પૂરથી પ્રભાવિત સેંકડો પરિવારોને મળ્યા અને રાહત સામગ્રીનું વિતરણ કર્યું. અભિનેતાએ કહ્યું છે કે જ્યારે પણ બિહારના લોકો મુશ્કેલીનો સામનો કરશે, ત્યારે તેઓ તેમની મુલાકાત લેવાનું ચાલુ રાખશે.
સોનુ સૂદે શું કહ્યું?
પૂરગ્રસ્તોને મળ્યા બાદ અભિનેતા સોનુ સૂદે કહ્યું, “અમારા માટે અહીં આવવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું. જ્યારે પણ બિહારના લોકો મુશ્કેલીમાં હોય, ત્યારે તેમની મુલાકાત લેવી એ દરેકની ફરજ બની જાય છે. જ્યારે પણ બિહાર સંકટનો સામનો કરશે, ત્યારે હું હંમેશા આવીશ. જો તેઓ મુશ્કેલીમાં હશે, તો હું તેમની પડખે ઊભો રહીશ. મને લાગે છે કે કોઈ કાયમી ઉકેલ હોવો જોઈએ જેથી લોકોને તકલીફ ન પડે, અને મને વિશ્વાસ છે કે સરકાર આ દિશામાં ચોક્કસપણે અસરકારક પગલાં લેશે.”
સોનુ સૂદે ઉમેર્યું, “બિહાર મારું ઘર છે અને બિહારના લોકો મારો પરિવાર છે. જ્યારે પણ મારો પરિવાર મુશ્કેલીનો સામનો કરશે, ત્યારે હું તેમની સાથે ઊભો રહીશ.”
સમ્રાટ ચૌધરી સાથે મુલાકાત
બિહારમાં પૂરગ્રસ્તોને મળ્યા બાદ અભિનેતા સમ્રાટ ચૌધરીને પણ મળ્યા હતા. તેમણે આ અંગે તેમના X (અગાઉનું ટ્વિટર) હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી. તસવીરોમાં સોનુ સૂદ અને સમ્રાટ ચૌધરી હાથ મિલાવતા અને સાથે પોઝ આપતા જોવા મળે છે. પોસ્ટમાં નેતાએ લખ્યું, “આજે જનસેવકના નિવાસસ્થાને જાણીતા અભિનેતા અને સમાજસેવક સોનુ સૂદ સાથે સૌહાર્દપૂર્ણ મુલાકાત થઈ.”




