‘સાલાર’ રીલિઝ થયા બાદથી જ તેનો બીજો ભાગ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. પ્રભાસની આ ફિલ્મની ચાહકો રાહ જોઈ રહ્યા છે. હવે આ ફિલ્મના શૂટિંગ સાથે જોડાયેલી એક અપડેટ સામે આવી છે. આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. જોકે, તેમાં એક ટ્વિસ્ટ છે.

ફિલ્મ ‘બાહુબલી’થી સમગ્ર ભારતનાં સ્ટાર બનેલા પ્રભાસને તેની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ ‘સાલાર’ માટે દરેક જગ્યાએ વખાણવામાં આવ્યો હતો. એ ક્રેઝનો ફાયદો પણ ફિલ્મને થયો હતો. આ ફિલ્મે દુનિયાભરમાં 617 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મની સાથે નિર્માતાઓએ તેના બીજા ભાગની પણ જાહેરાત કરી હતી. બીજા ભાગને ‘સાલાર ભાગ 2: શૌર્યાંગ પર્વ’ નામ આપવામાં આવ્યું છે. આ અંગે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. હવે રિપોર્ટને ટાંકીને આ ફિલ્મના શૂટિંગ સાથે જોડાયેલી માહિતી સામે આવી છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનું શૂટિંગ આ મહિનાના અંતમાં શરૂ થવાનું છે. જોકે, હાલમાં પ્રભાસ વગર સીન શૂટ કરવામાં આવશે અને તે જુલાઈમાં શૂટિંગમાં જોડાશે. તેની પાછળનું કારણ એવું કહેવાય છે કે પ્રભાસ ટૂંક સમયમાં ‘કલ્કી 2898 એડી’ નામની ફિલ્મ લઈને આવી રહ્યો છે. હાલમાં તે આ ફિલ્મમાં વ્યસ્ત છે.

આ મહિના સુધીમાં શૂટિંગ પૂરું થઈ જશે

એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાનો આખો સમય આ ફિલ્મના પ્રમોશનમાં આપવા માંગે છે, તેથી તે ‘સાલર 2’ના પ્રારંભિક શૂટિંગનો ભાગ નહીં બને અને શૂટિંગ તેના વિના જ થશે. જ્યારે તે જુલાઈમાં શૂટિંગમાં જોડાશે, ત્યાર બાદ તેના ભાગનું શૂટિંગ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે ‘સાલાર 2’ પહેલા ભાગ કરતા ઘણી મોટી ફિલ્મ હશે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નિર્દેશક પ્રશાંત નીલ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવા માંગે છે.

પ્રભાસની ‘કલ્કી’ ફિલ્મ પણ આવી રહી છે જો આપણે ‘કલ્કી’ની વાત કરીએ તો તે હિન્દુ પૌરાણિક કથા પર આધારિત ફિલ્મ બનવા જઈ રહી છે. તેનું બજેટ 600 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તેમાં પ્રભાસની સાથે દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હાસન અને દિશા પટણી પણ છે. અગાઉ આ ફિલ્મ 9 મેના રોજ રિલીઝ થવાની હતી. જોકે, બાદમાં તેને મોકૂફ રાખવામાં આવી હતી. હવે આ ફિલ્મ 27મી જૂને રિલીઝ થઈ રહી છે.