રાખી સાવંતની તબિયત ખરાબ હોવાને કારણે તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. રાખીના પૂર્વ પતિ રિતેશ સિંહના જણાવ્યા અનુસાર તેની હાલત ક્રિટીકલ છે. રિતેશે જણાવ્યું કે રાખી એક સાથે અનેક ગંભીર બીમારીઓનો સામનો કરી રહી છે. ડૉક્ટરોએ જણાવ્યું કે, તેના ગર્ભાશયમાં ટ્યુમર છે. એટલું જ નહીં રિતેશે રાખીના ફેન્સને એવું પણ કહ્યું કે તેઓ રાખી માટે પ્રાર્થના કરે.

રાખીની બીમારી અંગે રિતેશે કહ્યું, ‘ડોક્ટરના કહેવા પ્રમાણે રાખીના પેટમાં સોજો છે. કિડનીને પણ નુકસાન થયું છે. આટલું જ નહીં તેને હાર્ટની સમસ્યા પણ છે. ડોક્ટરોએ ટેસ્ટ કરાવ્યા છે. પરંતુ હજુ સુધી તમામ ટેસ્ટના રિપોર્ટ આવ્યા નથી. સોનોગ્રાફીનો રિપોર્ટ આવી ગયો છે, જેમાં ગાંઠની સાઈઝ નોંધપાત્ર રીતે વધી ગઈ હોવાનું જણાય છે. હવે આ ગાંઠ કેન્સરની છે કે નહીં તેની તપાસ ડોક્ટરો કરી રહ્યા છે.રાખી છેલ્લાં એક વર્ષથી ઘણી માનસિક અને શારીરિક પીડામાંથી પસાર થઈ રહી છે. રિતેશે જણાવ્યું કે, ‘રાખી હસીને પોતાના વિચારો વ્યક્ત કરે છે, તેથી જ લોકો તેને ગંભીરતાથી લેતા નથી. તેને ઘણી વખત માર મારવામાં આવ્યો છે. તેણે લોકોને આ વિશે કહ્યું, પરંતુ કોઈએ તેના પર વિશ્વાસ કર્યો નહીં.

લોકોને લાગ્યું કે તે મજાક કરી રહી છે. હું જાણું છું કે તેણી સાચી છે. તેની તબિયત પર અસર થઈ છે. હવે તેનો જીવ જોખમમાં છે. લોકોએ સમજવું જોઈએ કે તેનો સ્વભાવ ગમે તેવો હોય, તે પણ માણસ છે. વાતચીત દરમિયાન રિતેશે જણાવ્યું કે, હાલમાં રાખીની આર્થિક સ્થિતિ સારી નથી. આખા ઘરનો ખર્ચ તે પોતે જ ઉઠાવે છે. જો કે, મેડિકલ બિલની રકમ જે તે પોતે ચૂકવે છે તેમાં હજુ વધારો થયો નથી.

એવા ઘણા યુઝર્સ છે જેઓ રાખીની હોસ્પિટલમાં જવાને ડ્રામા ગણાવી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે હાલમાં જ રાખી મુંબઈમાં ફરતી જોવા મળી હતી, આજે તેની હાલત ખૂબ જ ચોંકાવનારી છે.