આજે મધર્સ ડે છે. આ દિવસને સામાન્ય લોકોની સાથે સ્ટાર્સ લોકો પણ પોતાની માતાને યાદ કરે છે. ત્યારે અભિનેતા અર્જુન કપૂરે મધર્સ ડેના દિવસે તમામ બાળકોને એક શીખામણ આપવાનો પ્રયાસ કર્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે જીંદગીમાં માતાનું શું મહત્વ છે તે બતાવ્યું છે. વીડિયોમાં અર્જુન કપૂર કહે છે કે, આજે મધર્સ ડે છે. મને નથી ખબર કે આ વીડિયો કેમ પોસ્ટ કરી રહ્યો છું. જ્યારે હું સ્નાન કરી રહ્યો હતો ત્યારે મને લાગ્યું કે, જે લોકો પાસે માતા છે અને જે લોકો પાસે માતા નથી તે લોકો માટે મારે કંઈક કહેવું જોઈએ.

અર્જુન કપૂર કહે છે, “અમે આ બાબતોને હળવાશથી લઈએ છીએ… મારી બહેન અહીં નથી, તે રજા પર છે. હું ઘરે એકલો બેઠો છું. તેથી મને લાગ્યું કે મારે દુનિયાને કહેવું જોઈએ કે માને હળવાશથી ન લે.માતા આપણું બહુ ધ્યાન રાખે છે. મને લાગે છે કે આપણે તેમને પ્રેમ અને સન્માન આપવું જોઈએ. જેટલું થઈ શકે એટલું ધ્યાન રાખવું જોઈએ. અર્જુન કપૂરે બધી માતાઓને મધર્સ ડે શુભેચ્છા પાઠવી છે. તેણે એવા ભાઈ અને બહેનોને પણ શુભેચ્છા પાઠવી છે જે લોકોએ જીવનમાં માતાની ભૂમિકા નિભાવી છે. અર્જુન કપૂરે વીડિયોના અંતમાં કહ્યું કે, માતાને પ્રેમ કરો, માતાએ તમારા માટે ઘણી મુશ્કેલીઓ વેઠી છે. તમને જણાવી દઈએ કે, અર્જુન કપૂરની માતા શૌરી કપૂર હવે આ દુનિયામાં નથી રહી. તેની માતાનું નિધન 2012માં થઈ ગયું હતું.