Lawrence Bishnoi News: અમેરિકાએ આંતરરાષ્ટ્રીય ગેંગસ્ટરો સામે કાર્યવાહી વધુ કડક બનાવતા ભારતીય ગેંગસ્ટર નેટવર્ક પર પણ શિકંજો કસ્યો છે. FBIએ જગ્ગુ ભગવાનપુરિયા સાથે સંકળાયેલા ગેંગસ્ટર નીતિશ કૌશલને પોતાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ કર્યો છે. બીજી તરફ, અમેરિકાના ન્યાય વિભાગ, FBI, કેનેડાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) અને યુરોપની અનેક એજન્સીઓએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે સંયુક્ત કાર્યવાહી શરૂ કરી છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે લોરેન્સ બિશ્નોઈના સંભવિત પ્રત્યાર્પણ અંગે ચર્ચા તેજ બની છે.
અમેરિકાના ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 37 લોકો સામે આરોપો દાખલ કરવામાં આવ્યા છે. તપાસમાં લોરેન્સ બિશ્નોઈના સંગઠિત ગુનાહિત નેટવર્ક (OCG) પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અમેરિકાનો આરોપ છે કે લોરેન્સ બિશ્નોઈ જેલમાં હોવા છતાં પોતાના ગેંગનું સંચાલન કરે છે. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ ગોલ્ડી બ્રાર ઉત્તર અમેરિકામાં ગેંગની પ્રવૃત્તિઓ સંભાળતો હતો, જ્યારે રોહિત ગોદારા યુરોપમાં નેટવર્કનું સંકલન કરતો હતો.
અમેરિકી તપાસમાં જગ્ગુ ભગવાનપુરિયાના નેટવર્કને પણ અલગ આંતરરાષ્ટ્રીય ગુનાહિત સિન્ડિકેટ તરીકે ઓળખવામાં આવ્યું છે, જે ભારત, અમેરિકા, કેનેડા અને યુરોપમાં સક્રિય હોવાનું જણાવાયું છે. ભગવાનપુરિયા અગાઉ લોરેન્સ બિશ્નોઈનો નજીકનો સાથી રહ્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
અમેરિકી એજન્સીઓનો આરોપ છે કે લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કાવતરામાં સામેલ હતા. આ કેસને આધારે લોરેન્સ બિશ્નોઈના પ્રત્યાર્પણ અંગે ચર્ચાઓ શરૂ થઈ છે, જોકે અત્યાર સુધી અમેરિકાએ ભારત સરકારને સત્તાવાર પ્રત્યાર્પણ વિનંતી મોકલી નથી.
લોરેન્સ બિશ્નોઈ હાલ ઓગસ્ટ 2023થી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ઉચ્ચ સુરક્ષા હેઠળ બંધ છે. ગૃહ મંત્રાલયે તેના પર CRPCની કલમ 268(1) લાગુ કરી હોવાથી તેને અન્ય કોઈ રાજ્યની પોલીસ અથવા તપાસ એજન્સીને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સોંપી શકાય તેમ નથી. પૂછપરછ અથવા કોર્ટની કાર્યવાહી માટે સંબંધિત એજન્સીઓને સાબરમતી જેલમાં જ આવવું પડે છે અથવા વીડિયો કોન્ફરન્સિંગનો ઉપયોગ કરવો પડે છે.
સાબરમતી જેલમાં લોરેન્સ બિશ્નોઈને એકાંત કેદમાં રાખવામાં આવ્યો છે અને તેની 24 કલાક CCTV દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની અગાઉની ચાર્જશીટ મુજબ તેના સામે દિલ્હી, પંજાબ, રાજસ્થાન અને ચંડીગઢ સહિત વિવિધ રાજ્યોમાં 84થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે.
ભારત અને અમેરિકા વચ્ચે 1997માં થયેલી પ્રત્યાર્પણ સંધિ હેઠળ ગંભીર ગુનાઓમાં આરોપી વ્યક્તિઓના પ્રત્યાર્પણની જોગવાઈ છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે ભારત કોઈપણ અમેરિકી માંગ સ્વીકારવા માટે બંધાયેલું નથી. જો અમેરિકા સત્તાવાર પ્રત્યાર્પણ વિનંતી મોકલે તો વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય અને ભારતીય અદાલત તેની કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ અંતિમ નિર્ણય લેશે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ ભારત એવો અભિપ્રાય પણ આપી શકે છે કે લોરેન્સ બિશ્નોઈએ પહેલા ભારતમાં ચાલી રહેલા તમામ કેસોમાં કાનૂની પ્રક્રિયા અને સજા પૂર્ણ કરવી જોઈએ. ત્યારબાદ જ તેના પ્રત્યાર્પણ અંગે વિચારણા થઈ શકે. તેથી, અમેરિકાએ ભવિષ્યમાં માંગણી કરે તો પણ તેનો નિર્ણય સંપૂર્ણપણે ભારતની કાનૂની પ્રક્રિયા અને કેન્દ્ર સરકારના અંતિમ નિર્ણય પર નિર્ભર રહેશે.




