Gandhinagar News: સોશિયલ મીડિયા પર ગાંધીનગરના અલુઆ-સાદરા પુલને નુકસાન પહોંચ્યું હોવાનો વાયરલ વીડિયો સંપૂર્ણપણે ખોટો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ભ્રામક વીડિયો અંગે ગાંધીનગર પોલીસે ગુરુવારે FIR નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
માહિતી અનુસાર, 21 જુલાઈના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં અલુઆ-સાદરા પુલનું ઈ-ઉદ્ઘાટન કર્યું હતું. તેના બે દિવસ બાદ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે પુલના અલુઆ તરફના એપ્રોચ રોડની ડાબી બાજુએ જમીનનું થોડું ધોવાણ થયું હતું. જોકે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં આ ઘટનાને વધારી-ચઢાવી રજૂ કરવામાં આવી હતી અને એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઉદ્ઘાટનના ત્રણ-ચાર દિવસમાં જ પુલનો મોટો ભાગ ધસી પડ્યો છે.
વાયરલ વીડિયોનું સત્ય શું?
વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે સોશિયલ મીડિયા પર ફરતો વીડિયો સંપૂર્ણપણે AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં દર્શાવવામાં આવેલા દૃશ્યોનો વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ, ગાંધીનગરનો સાદરા પુલ સંપૂર્ણપણે સુરક્ષિત અને કાર્યરત છે. સ્થાનિક વહીવટીતંત્ર કે કોઈપણ સત્તાવાર સમાચાર સ્ત્રોતે પુલને નુકસાન પહોંચ્યાની કોઈ પુષ્ટિ કરી નથી.
ખોટી માહિતીથી સાવધાન રહેવા અપીલ
ગાંધીનગર પોલીસે જણાવ્યું છે કે આવા ડીપફેક અને AI આધારિત વીડિયો લોકોમાં ભય અને ગેરસમજ ફેલાવવા માટે સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવે છે. માર્ગ અને મકાન વિભાગના સચિવે પણ જણાવ્યું કે આવા વીડિયો અને ફોટા લોકોમાં ગભરાટ ફેલાવે છે. પોલીસની ફરિયાદ બાદ પુલ સંબંધિત ભ્રામક પોસ્ટ્સ સોશિયલ મીડિયા પરથી દૂર કરવામાં આવી છે.
પોલીસે 6 ઓગસ્ટના રોજ FIR નોંધ્યા બાદ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો પ્રભાવિત થયા છે અને બચાવ દળોએ સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે.




