Ahmedabad Civil Hospitalએ આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં છેલ્લા પખવાડિયામાં બે અંગદાતાઓ ઉમેરાયા છે. આ બે અંગદાતાઓના પરિવારજનો દ્વારા ગુપ્ત અંગદાન કરવામાં આવ્યું છે. સિવિલ માં થયેલ આ બે ગુપ્ત અંગદાનની વિગતો આપતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યુ હતુ કે , પ્રથમ કિસ્સામાં મધ્યપ્રદેશના ૩૭ વર્ષના યુવાન પડી જતા માથાના ભાગે ઇજા થઇ હતી. જેથી તેમને તા.૧૮મે ના રોજ સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા. સારવાર દરમ્યાન તા.૨૦ મે ના રોજ સિવિલના ડોક્ટરોની ટીમે દર્દી બ્રેઇન ડેડ હોવાનું પરીવારજનોને જણાવ્યું. જેથી પરીવારજનોએ તેમના અંગદાન થકી બીજા કોઇનો જીવ બચાવવા ગુપ્ત અંગદાન કરવાનો નિર્ણય કર્યો. તેમના અંગદાન થી બે કીડનીનું દાન મળ્યુ.

બીજા કિસ્સામાં ખેડા જિલ્લાના નડિયાદ ના ૬૨ વર્ષના આધેડને બ્રેઈન હેમરેજ થતા તા. ૩૦ મે ના રોજ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. જ્યાં સારવાર દરમ્યાન ૦૨ જુનના રોજ સિવિલના ડોક્ટરોની ટીમે દર્દી બ્રેઇન ડેડ હોવાનુ પરીવારજનોને જણાવતા પરીવારજનો એ તેમના અંગદાન થકી બીજા કોઇ નો જીવ બચાવવા ગુપ્ત અંગદાન કરવાનો નિર્ણય કર્યો. તેમના અંગદાન થી બે કીડની અને એક લીવરનું દાન મળ્યું.

Ahmedabad Civil Hospitalમાં થયેલ આ બે અંગદાનથી મળેલ ૪ કીડની અને ૧ લીવર સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરુરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવી હોવાનું તેમ ડો. જોષી એ જણાવ્યુ હતુ..અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે, આ બે અંગદાન સાથે સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૬૪૦ અંગોનું દાન મળેલ છે. જેના થકી ૬૨૧ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.અત્રે ઉલ્લેખનીય છે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૩૫૬- કિડની, ૧૭૦- લીવર, ૬૧- હ્રદય, ૩૨- ફેફસા , ૧૩- સ્વાદુપિંડ ,બે નાના આંતરડા , 18 સ્કીન અને ૧૩૨ આંખોનું દાન મળ્યું છે.

અંગદાન વિશે જાગ્રુતિ વધતા લોકો એક હાથે દાન કરે અને બીજા હાથ ને ખબર પણ ન પડે તે રીતે પરોપકાર ની ભાવના સાથે કોઇપણ જાત ની આશા વગર ગુપ્ત અંગદાન કરી સાચા અર્થ માં અંગદાન ના મહત્વ ને સમજતા થયા છે તેમ ડૉ. જોષીએ જણાવ્યુ હતુ.