Ahmedabad News: શહેરના સોલા STP પ્લાન્ટમાં થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનારા બે કામદારોના પરિવારોને કોન્ટ્રાક્ટર દ્વારા કુલ ₹30 લાખની નાણાકીય સહાય આપવામાં આવશે. આ ઉપરાંત બંને મૃતક કામદારોનાં સગીર બાળકોના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ પણ કોન્ટ્રાક્ટર ઉઠાવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે આ અંગે માહિતી આપી હતી.

કમલેશ પટેલે જણાવ્યું હતું કે અકસ્માતની જવાબદારી નક્કી કરવા માટે પોલીસ તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટરની જવાબદારી રહેતી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા સ્થળ પર સલામતીનાં સાધનો ઉપલબ્ધ હતાં કે નહીં અને કામદારો તેનો યોગ્ય ઉપયોગ કરતા હતા કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે.

કોન્ટ્રાક્ટરને ₹50 લાખના દંડની નોટિસ

સોલા STP અકસ્માત મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોન્ટ્રાક્ટરને ₹50 લાખનો દંડ ભરવા માટે નોટિસ ફટકારી છે. પોલીસ તપાસમાં અકસ્માતની જવાબદારી અને સલામતીનાં નિયમોના ઉલ્લંઘન અંગે વિગતો સ્પષ્ટ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

દિવાળી દરમિયાન ફાયર બ્રિગેડ અને હોસ્પિટલો એલર્ટ

દિવાળીના તહેવાર દરમિયાન આગ અને અન્ય અકસ્માતોની શક્યતાને ધ્યાનમાં રાખીને AMCએ ફાયર બ્રિગેડ અને મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલોને એલર્ટ મોડ પર રાખવાનો નિર્ણય લીધો છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓને સ્ટેન્ડબાય રહેવા સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ દુર્ઘટના બને તો તાત્કાલિક મદદ પહોંચાડી શકાય.

મ્યુનિસિપલ હોસ્પિટલોના કર્મચારીઓને પણ ઇમરજન્સીની સ્થિતિમાં નાગરિકોને તાત્કાલિક સારવાર આપવા તૈયાર રહેવા જણાવાયું છે.

દિવાળી દરમિયાન રાત્રે જ ફટાકડાનો કચરો સાફ કરાશે

દિવાળી દરમિયાન ફટાકડા ફોડવાથી રસ્તાઓ અને જાહેર સ્થળોએ એકઠા થતા કચરાને દૂર કરવા AMC દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીએ રાત્રિના સમયે જ ફટાકડાનો કચરો એકત્રિત કરીને સફાઈ કરવાનો નિર્ણય લીધો છે.

આ વ્યવસ્થાથી બીજા દિવસે સવારે શહેરના રસ્તાઓ સ્વચ્છ રહે અને નાગરિકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તેવો કોર્પોરેશનનો હેતુ છે.