Yatrik Patel AAP : વસ્ત્રાપુરના AUDA ગાર્ડનમાં 27 ઓગસ્ટે થયેલી મારામારીની ઘટનાને લઈને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા નિષ્પક્ષ અને ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. AAPની વિદ્યાર્થી પાંખ ASAP દ્વારા આ મામલે અમદાવાદ પોલીસ કમિશનરની મુલાકાત માટે 2 સપ્ટેમ્બર, 2026ના રોજ સમય માંગવામાં આવ્યો છે.

ASAPના મધ્ય ઝોન પ્રમુખ યાત્રિક પટેલે મીડિયા સાથે વાત કરતા આક્ષેપ કર્યો હતો કે AUDA ગાર્ડનમાં વિવિધ NGO, વિદ્યાર્થીઓ અને યુવાનો શાંતિપૂર્ણ રીતે પુસ્તક વાંચન કરી રહ્યા હતા ત્યારે બજરંગ દળના કેટલાક લોકો ત્યાં પહોંચ્યા અને મારામારી કરી હતી. તેમના આક્ષેપ મુજબ ઘટનામાં મહિલાઓ અને બાળકો સાથે પણ મારામારી કરવામાં આવી હતી.

યાત્રિક પટેલે કહ્યું કે કાર્યક્રમમાં હાજર લોકો પાસે પુસ્તકો હતા અને કોઈ હથિયાર નહોતું. તેમણે સવાલ ઉઠાવ્યો કે ગુજરાતના યુવાનો કયું પુસ્તક વાંચશે તે નક્કી કરવાનો અધિકાર કોઈ સંગઠનને કેવી રીતે હોઈ શકે?

FIR નોંધવામાં વિલંબનો AAPનો આક્ષેપ

AAPનો આક્ષેપ છે કે ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ હોવા છતાં પોલીસે શરૂઆતમાં તાત્કાલિક FIR નોંધી નહોતી. ઘટનાની જાણ થતાં AAPના સંગઠન મંત્રી ડો. કરણભાઈ બારોટ, જીતુભાઈ ઉપાધ્યાય, લીગલ ટીમના વડા પ્રણવભાઈ ઠક્કર સહિત વકીલો અને કાર્યકરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

AAPના જણાવ્યા મુજબ, પોલીસ દ્વારા FIR નોંધવામાં આવે અને તમામ યુવાનો સુરક્ષિત રીતે ઘરે પરત જાય ત્યાં સુધી પાર્ટીની ટીમ ઘટનાસ્થળે હાજર રહી હતી અને કાનૂની સહાય પૂરી પાડી હતી.

20માંથી માત્ર 3 આરોપીઓની ધરપકડનો દાવો

યાત્રિક પટેલે દાવો કર્યો કે આ કેસમાં કુલ 20 આરોપીઓ પૈકી માત્ર 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 17 આરોપીઓ હજુ બહાર ફરી રહ્યા છે. AAPએ બાકીના આરોપીઓની પણ તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે.

તેમણે સવાલ ઉઠાવ્યો કે જો બાકીના આરોપીઓ બહાર રહે અને ભવિષ્યમાં આ ઘટનામાં સામેલ વિદ્યાર્થીઓ કે યુવાનો સાથે કોઈ ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે?

કાયદાકીય કલમોની સમીક્ષાની માંગ

AAP દ્વારા પોલીસ સમક્ષ કેસમાં લાગુ કરવામાં આવેલી કાયદાકીય કલમોની સમીક્ષા કરવાની પણ માંગ કરવામાં આવશે. પાર્ટીનું કહેવું છે કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને યોગ્ય અને કડક કલમો ઉમેરવામાં આવે તથા સમગ્ર કેસની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.

યાત્રિક પટેલે રાજ્ય સરકાર અને બજરંગ દળ પર પણ આક્ષેપો કર્યા હતા. તેમણે ગુજરાતમાં દારૂ, ડ્રગ્સ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓના મુદ્દે સંગઠનની ભૂમિકા અંગે સવાલો ઉઠાવ્યા હતા.

AAPનું પ્રતિનિધિમંડળ પોલીસ અધિકારીઓને મળશે

AAPના જણાવ્યા મુજબ, આગામી એક-બે દિવસમાં પાર્ટીની લીગલ ટીમ અને પ્રતિનિધિમંડળ પોલીસ અધિકારીઓને મળશે. આ મુલાકાત દરમિયાન બાકીના આરોપીઓની ધરપકડ, કેસમાં યોગ્ય ગંભીર કલમો ઉમેરવા અને સમગ્ર મામલે ઝડપી તથા નિષ્પક્ષ કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવશે.

AAPએ સ્પષ્ટ કર્યું છે કે તે આ મામલે વિદ્યાર્થીઓ અને યુવાનોની સાથે રહેશે અને કાયદાકીય સહાય પણ પૂરી પાડશે.