Ahmedabad Cyber Fraud: અમદાવાદના પાલડી વિસ્તારમાં PGમાં રહેતા 24 વર્ષીય યુવક સાથે Instagram પરની કથિત પ્રાયોજિત જાહેરાત મારફતે ₹9.50 લાખની સાયબર છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ છે. મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અથર્વ પારોલકરે ફરિયાદમાં જણાવ્યું છે કે જાહેરાતમાં અમદાવાદમાં નજીક રહેતી યુવતી સાથે વાતચીત અને મુલાકાત કરાવવાની વાત કરવામાં આવી હતી.

25 જુલાઈની રાત્રે Instagram પર જાહેરાત જોયા બાદ અથર્વે તેમાં આપેલા મોબાઇલ નંબર પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેની વાત હુકુમ સિંહ નામના વ્યક્તિ સાથે થઈ હતી. હુકુમ સિંહે શરૂઆતમાં નોંધણી માટે ₹500 જમા કરાવવાનું કહ્યું હતું. રકમ ચૂકવ્યા બાદ અથર્વને છ યુવતીઓના ફોટા મોકલવામાં આવ્યા હતા, જેમાંથી તેણે કાજલ નામની યુવતી સાથે મુલાકાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

ત્યારબાદ યુવકને અમદાવાદની એક હોટલમાં પહોંચવાનું કહેવામાં આવ્યું હતું. હોટલ પહોંચ્યા બાદ હોટલ ખર્ચ, મીટિંગ ફી, વેરિફિકેશન ચાર્જ અને મેડિકલ ચાર્જના નામે વધુ ₹14,000 ઓનલાઈન ચૂકવાવવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ અથર્વે સેવા રદ કરવાની વાત કરતાં તેને બીજા દિવસે રિફંડ આપવાની ખાતરી આપવામાં આવી હતી.

રિફંડ આપવાને બદલે કથિત ઠગોએ કેન્સલેશન, સર્વિસ રિન્યુઅલ, રિફંડ, બેંકિંગ પ્રક્રિયા, GST અને ITR સહિતના અલગ-અલગ ચાર્જના નામે વધુ પૈસા માંગ્યા હતા. યુવક પાસેથી વિવિધ બેંક ખાતાઓમાં અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરાવી કુલ ₹9,50,092ની રકમ પડાવી લેવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

હુકુમ સિંહે 3 ઓગસ્ટ સુધીમાં સમગ્ર રકમ પરત કરવાની ખાતરી આપી હતી. જોકે, નિર્ધારિત સમય બાદ પણ રિફંડ ન મળતાં અથર્વને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાયું હતું. ત્યારબાદ તેણે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ફરિયાદના આધારે મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની વિગતોના આધારે તપાસ શરૂ કરી છે. Instagram પર પ્રાયોજિત જાહેરાત કોણે ચલાવી હતી અને આ કથિત નેટવર્કમાં હુકુમ સિંહ સહિત અન્ય કોણ સંડોવાયેલું છે, તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.