ગુજરાતમાં ગરમીનો પારો હવે 45-46 ડિગ્રી છે. જેના કારણે લોકો બહાર નીકળવામાં પણ દસ વખત વિચારી રહ્યા છે. ગરમીના સમાચાર વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે. ગરમીએ 10 અને 13 દિવસના બાળકોનો જીવ લીધો છે. મળતી માહિતી અનુસાર છેલ્લા 8-10 દિવસથી અલગ અલગ શહેરોનું તાપમાન 45 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યુ છે. આજે ગરમીના કારણે બે નવજાત બાળકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. 10 અને 13 દિવસના બે બાળકોના શારદાબેન હોસ્પિટલમાં મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે.

અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં બે નવજાત બાળકોના ગરમીથી મોત થયા છે. 10 દિવસ અને 13 દિવસના બાળકોના મૃત્યુ થયા છે. સીટીએમ અને રામોલ વિસ્તારના 10 અને 13 દિવસના બે બાળકો શારદાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સારવાર માટે લાવતા પહેલા બન્ને બાળકો ઘરે તેઓ સતત રડતા હતા. જે બાદ ગઇકાલે સવારે શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઘરે ગરમીની વધુ અસર થવાથી બાળકોના શરીરમાં સોડીયમનું પ્રમાણ વધી ગયાનું સારવાર દરમ્યાન માલૂમ પડ્યું હતું. સોડીયમનું પ્રમાણ વધી જતા બન્ને બાળકોની કિડની ફેઇલ થતા મોત થયાનું સત્તાવારણ કારણ સામે આવ્યું છે.

બંને બાળક અમદાવાદના હોવાનો સુપ્રિન્ટેન્ડેટ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. આ સાથે જ અમદાવાદમાં ગરમીના કારણે મોતનો આંકડો 4 પર પહોંચ્યો છે. ગરમીમાં બેભાન થઈ જવું, હીટસ્ટ્રોક લાગવો, વોમેટિંગ સહિતના કેસ વધ્યા છે.