Ahmedabad News: શહેરમાં પાલતુ પ્રાણીઓની નોંધણીને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશને વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પાલતુ કૂતરાઓ બાદ હવે પાલતુ બિલાડીઓની પણ નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છે. શહેરમાં અંદાજે 5,000 પાલતુ બિલાડીઓનું 30 સપ્ટેમ્બર, 2026 સુધી ઓનલાઈન નોંધણી કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. હાલમાં નોંધણી માટે માત્ર ₹200 ફી નક્કી કરવામાં આવી છે.
CNCD વિભાગના ચેરમેન નરેશ રાજપૂતે જણાવ્યું કે શહેરમાં અંદાજે 50,000 પાલતુ કૂતરાઓ અને 5,000 પાલતુ બિલાડીઓ છે. ભારતીય પશુ કલ્યાણ બોર્ડની માર્ગદર્શિકા, પશુ જન્મ નિયંત્રણ (ABC) નિયમો-2023 અને 2030 સુધી ભારતને હડકવા મુક્ત બનાવવાના રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે તમામ પાલતુ પ્રાણીઓની નોંધણી ફરજિયાત કરવામાં આવી રહી છે.
તેમણે જણાવ્યું કે 30 સપ્ટેમ્બર, 2026 સુધી પાલતુ બિલાડીઓની નોંધણી માટે માત્ર ₹200 ફી લેવામાં આવશે. ત્યારબાદ મોડી નોંધણી કરાવનારાઓ માટે ફીમાં વધારો કરવામાં આવશે. હાલમાં પાલતુ કૂતરાઓની મોડી નોંધણી માટે ₹2,000 ફી વસૂલવામાં આવે છે અને ભવિષ્યમાં પાલતુ બિલાડીઓ માટે પણ આ જ નિયમ લાગુ કરવામાં આવશે.
નોંધણી માટે અરજદારે આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, પાલતુ પ્રાણી અને તેના રહેવાના સ્થળના ફોટોગ્રાફ, રસીકરણ કાર્ડ તેમજ ભાડાના મકાનમાં રહેતા હોય તો લીઝ ડીડ અપલોડ કરવી જરૂરી રહેશે. વિભાગે તમામ પાલતુ માલિકોને સમયમર્યાદા પહેલાં નોંધણી કરાવવાની અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે પાલતુ કૂતરાઓની નોંધણી અભિયાન 1 જાન્યુઆરી, 2025થી શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 17,286 માલિકોએ કુલ 19,643 પાલતુ કૂતરાઓની નોંધણી કરાવી છે. જોકે અંદાજે અડધાથી વધુ પાલતુ કૂતરાઓની નોંધણી હજુ બાકી હોવાનું વિભાગે જણાવ્યું છે. હાલમાં પાલતુ કૂતરાઓની નોંધણી માટે ₹2,000 ફી લાગુ છે.




