Ahmedabad News: અમદાવાદના થલતેજમાં રહેતી 40 વર્ષીય મહિલાએ પોતાના આચાર્ય પતિ વિરુદ્ધ દહેજની માંગણી, માનસિક અને શારીરિક ત્રાસ તેમજ મારપીટના આરોપો સાથે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસે FIR નોંધી તપાસ શરૂ કરી છે.

21 વર્ષ બાદ પોલીસ સુધી પહોંચ્યો મામલો

ફરિયાદ મુજબ, મહિલાના લગ્ન વર્ષ 2005માં હર્ષદ સાથે થયા હતા. દંપતીને એક પુત્રી અને એક પુત્ર છે. મહિલાનો આરોપ છે કે લગ્નના બે-ત્રણ મહિના બાદથી જ પતિ નાની-નાની બાબતોમાં ઝઘડો, અપશબ્દો અને મારપીટ કરતો હતો અને સતત માનસિક ત્રાસ આપતો હતો.

ઘર ખરીદવા પિયરમાંથી પૈસા લાવવાનું દબાણ

મહિલાના જણાવ્યા પ્રમાણે, પુત્રીના જન્મ બાદ પતિએ ઘર ખરીદવા માટે તેના પિતાના ઘરેથી પૈસા લાવવાનું કહ્યું હતું. પિતાએ આર્થિક મદદ કરી હતી, પરંતુ બાદમાં પૈસા પરત માંગતા વિવાદ થયો. મહિલાએ આ ઘટનાને દહેજ માટેના દબાણનો ભાગ ગણાવ્યો છે.

થલતેજમાં રહેવા આવ્યા બાદ ફરી વધ્યો ત્રાસ

પરિવાર અમદાવાદના થલતેજમાં રહેવા આવ્યો બાદ ઘરખર્ચ, બાળકોના અભ્યાસ અને અન્ય બાબતોને લઈને ફરી ઝઘડા શરૂ થયા હતા. મહિલાનો આરોપ છે કે પતિ સતત અપમાનજનક વર્તન અને મારપીટ કરતો રહ્યો.

23 ઓગસ્ટે હુમલાનો આરોપ, હોસ્પિટલમાં સારવાર

ફરિયાદ મુજબ, 23 ઓગસ્ટે પતિએ મહિલાની મારપીટ કરી હતી, જેમાં તે ઇજાગ્રસ્ત થઈ હતી. બીજા દિવસે સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ મહિલા પોતાના માતા-પિતાના ઘરે વિરમગામ રહેવા ગઈ અને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાવી.

દહેજ પ્રતિબંધક કાયદા હેઠળ FIR

બોડકદેવ પોલીસે મહિલાની ફરિયાદના આધારે પતિ હર્ષદ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો તેમજ દહેજ પ્રતિબંધક કાયદાની કલમ 3 અને 4 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ હાલ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.