Ahmedabad News:અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં માનવતા અને સાંપ્રદાયિક સૌહાર્દનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. બે અલગ ધર્મની મહિલાઓએ પોતાના પતિના જીવન બચાવવા માટે એકબીજાના પતિને પોતાની કિડનીનું દાન કર્યું. હિન્દુ મહિલાએ મુસ્લિમ પુરુષને અને મુસ્લિમ મહિલાએ હિન્દુ પુરુષને કિડની આપીને બંને દર્દીઓને નવજીવન આપ્યું છે.
મળતી માહિતી મુજબ અમદાવાદના 45 વર્ષીય હિન્દુ પુરુષ અને ઉદયપુરના 42 વર્ષીય મુસ્લિમ પુરુષ ક્રોનિક કિડની ડિસીઝ અને એન્ડ-સ્ટેજ કિડની ડિસીઝથી પીડાઈ રહ્યા હતા. બંને માટે કિડની ટ્રાન્સપ્લાન્ટ જીવન બચાવવાનો મુખ્ય વિકલ્પ હતો. જોકે, બંને પરિવારોના મૂળ દાતાઓ તબીબી રીતે યોગ્ય ન હોવાનું સામે આવતા ડોક્ટરોએ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટનો વિકલ્પ સૂચવ્યો હતો.
તબીબી તપાસ દરમિયાન બંને મહિલાઓની કિડની એકબીજાના પતિ માટે યોગ્ય હોવાનું જાણવા મળ્યું. સંપૂર્ણ સ્કેન, રિપોર્ટ અને કાઉન્સેલિંગ બાદ બંને પરિવારોની સંમતિ લેવામાં આવી હતી. ત્યારબાદ 9 જુલાઈના રોજ બંને કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી એકસાથે સફળતાપૂર્વક કરવામાં આવી હતી. સ્ટર્લિંગ હોસ્પિટલમાં આ પ્રકારનું આ પ્રથમ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવાયું છે.
હોસ્પિટલના ક્લિનિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. સુધીર મોરાડેએ જણાવ્યું હતું કે કિડની સ્વેપિંગ એવા દર્દીઓ માટે બીજી તક આપે છે, જેમના મૂળ દાતા તબીબી રીતે યોગ્ય ન હોય. સમગ્ર પ્રક્રિયા ડૉ. સોનલ દલાલ, ડૉ. જાવેદ વકીલ, ડૉ. કેતન શુક્લા, ડૉ. હિમાંશુ પટેલ અને ડૉ. ભાવિન મહેતાલિયાની આગેવાની હેઠળની મલ્ટિ-ડિસિપ્લિનરી ટીમ દ્વારા કરવામાં આવી હતી. ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર રાહિલ શાહે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
સર્જરી બાદ બંને દર્દીઓની તબિયતમાં સુધારો થયો હતો અને તેમની કિડની સારી રીતે કામ કરી રહી હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવાયું હતું. 18 જુલાઈના રોજ બંને પરિવારોના ચારેય સભ્યોને સ્વસ્થ સ્થિતિમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ ઘટના ધર્મની સીમાઓથી ઉપર માનવતા, વિશ્વાસ અને એકબીજાના જીવન બચાવવાની ભાવનાનું અનોખું ઉદાહરણ બની છે.




