Ahmedabad News: અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગે અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ સર્જરી કરીને તેને નવું જીવન આપ્યું છે. જન્મથી જ ‘પ્યોર એસોફેગસ એટ્રેસિયા’ નામની ગંભીર જન્મજાત ખામીથી પીડાતા બાળકે પહેલીવાર પોતાના મોઢેથી ખોરાક ખાધો છે. પોતાના દીકરાને પ્રથમ વખત પોતાના હાથે જમાડતા માતા-પિતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા.
Ahmedabad જિલ્લાના સાણંદના રહેવાસી શૈલેષ પટેલનો પુત્ર મંતવ્ય જન્મથી જ એવી સ્થિતિમાં હતો કે તેની અન્નનળીના બંને છેડા જોડાયેલા નહોતા. જેના કારણે તે દૂધ કે ખોરાક ગળી શકતો નહોતો. તેના જીવન બચાવવા માટે ગળા અને પેટમાં ખાસ નળી મૂકવામાં આવી હતી અને છેલ્લા અઢી વર્ષથી તે આ નળી દ્વારા જ સંપૂર્ણ પોષણ મેળવી રહ્યો હતો.
3 જુલાઈના રોજ Ahmedabad સિવિલ હોસ્પિટલમાં બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી, પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી અને એનેસ્થેસિયા વિભાગની નિષ્ણાત ટીમે ‘ગેસ્ટ્રિક પુલ-અપ’ નામની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરી. આ પ્રક્રિયામાં પેટના એક ભાગમાંથી નવી અન્નનળી બનાવી તેને બાળકની અન્નનળી સાથે જોડવામાં આવી હતી.
સર્જરી બાદ 23મા દિવસે બાળકે પહેલીવાર મોઢેથી ખોરાક લીધો. હાલ તે સંપૂર્ણ સ્વસ્થ છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ડૉ. રાકેશ જોશીના જણાવ્યા મુજબ, આવી સર્જરી માટે અત્યંત ઉચ્ચ કક્ષાની ટેકનિકલ કુશળતા જરૂરી હોય છે. ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાનો ખર્ચ થતી આ સારવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે ગયા વર્ષે પણ હોસ્પિટલમાં આવા સાત જટિલ કેસોની સફળ સારવાર કરવામાં આવી હતી.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ટ્રેકિયો-એસોફેજલ ફિસ્ટુલા (TOF) અથવા અન્નનળીની જન્મજાત ખામી લગભગ 2,500થી 4,000 નવજાત શિશુઓમાંથી એકમાં જોવા મળે છે. તેમાં ‘પ્યોર એસોફેજીયલ એટ્રેસિયા’ સૌથી જટિલ સ્થિતિ ગણાય છે, જેમાં અન્નનળીના બંને છેડા દૂર હોવાથી સામાન્ય સર્જરી શક્ય બનતી નથી. આવી સ્થિતિમાં ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી દ્વારા પેટના એક ભાગમાંથી નવી અન્નનળી તૈયાર કરવામાં આવે છે. આ સર્જરીનો સફળતા દર 85થી 90 ટકા માનવામાં આવે છે.




