ગુજરાત સહિત આખા દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે. લોકસભા 2024ની ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજવામાં આવી હતી. આ સાતેય તબક્કાના મતદાનનું પરિણામ આજે જાહેર કરવામાં આવશે. આજે ગુજરાતમાં ભાજપ 26 બેઠકો જીતીને હેટ્રિક મારશે કે કોંગ્રેસ થોડી બેઠકો મેળવી શકશે એ જોવાનું રહ્યું.આજે ગુજરાતની 26 લોકસભા બેઠકો પૈકી 25 બેઠકોનું પરિણામ જાહેર થશે. ગુજરાતની 25 બેઠક ઉપરાંત વિધાનસભાની પાંચ બેઠકો સહિતનું પરિણામ જાહેર થશે.
ગુજરાતની હોટ સીટ રાજકોટ પર તમામની નજર જોવા મળી રહી છે. હાલ શરૂઆતના વલણોમાં પરશોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર ભારે હોબાળો પણ જોવા મળ્યો હતો. ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલા વિરોધ વચ્ચે પણ પરશોત્તમ રૂપાલા જીતશે કે પછી કોંગ્રેસના પરેશ ધાનાણી બાજી મારશે?
ભરુચ લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. નોંધનીય છે કે, ગુજરાતની ભરૂચ લોકસભા સીટ ખરા અર્થમાં ભગવા ગઢ છે. ભરૂચ લોકસભા બેઠક પર સમગ્ર રાજ્યમાં સૌથી વધુ મુસ્લિમ વોટ છે પરંતુ તેમ છતાં 1989થી આ બેઠક ભાજપ પાસે છે. આ બેઠક પર ભાજપે ફરી સાંસદ મનસુખ વસાવાને ટિકિટ આપી હતી. આમ આદમી પાર્ટીએ તેના ધારાસભ્ય ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે.
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના દિનેશ મકવાણા અને કોંગ્રેસના ભરત મકવાણા વચ્ચે જંગ જામ્યો હતો. અમદાવાદ પૂર્વની લોકસભા બેઠક પર ભાજપે પોતાના ઉમેદવાર હસમુખ પટેલને રિપીટ કર્યા છે.