મિઝોરમમાં ખાણમાં ભયાનક અકસ્માત થયો છે. અહીં એક પથ્થરની ખાણ પડી જવાથી 10 લોકોના મોત થયા છે. અકસ્માત બાદ શરૂ કરાયેલા રેસ્ક્યુ ઓપરેશનમાં બે લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. ઘણા મજૂરો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા છે, તેમને બચાવવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જે 10 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે તેમાંથી 6 મિઝોરમના નથી. જ્યારે બાકીના મૃતદેહોની ઓળખ થવાની બાકી છે. જે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે તેમાંથી એક મિઝોરમનો અને બીજો બહારગામનો છે.
આ અકસ્માત મિઝોરમની રાજધાની આઈઝોલમાં થયો હતો. રેમલ ચક્રવાતને કારણે અહીં ઘણી તબાહી જોવા મળી રહી છે. ત્યારે વાવાઝોડાના પગલે મંગળવારે સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ આઈઝોલની મેલ્થમ અને હલીમેન બોર્ડર પર પથ્થરની ખાણ તૂટી પડી હતી. ખાણ ધરાશાયી થવાને કારણે આસપાસના ઘણા મકાનો પણ ધરાશાયી થયા છે.
બે વર્ષ પહેલા મિઝોરમમાં પણ આવો જ એક અકસ્માત થયો હતો. રાજ્યના હનાથિયાલ જિલ્લામાં 14 નવેમ્બર 2022ના રોજ એક પથ્થરની ખાણ તૂટી પડી હતી. ખાણકામ દરમિયાન ઘણા મોટા પથ્થરો ઉપરથી તૂટીને કામદારો પર પડ્યા, જેના કારણે 12 કામદારો કાટમાળના ઢગલા નીચે દટાયા હતા. આસામ રાઈફલ્સ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ), સ્થાનિક પોલીસ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી, ત્યારબાદ ખાણમાં દટાયેલા 11 મજૂરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.