ગઇકાલે ગુજરાતમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાયો હતો અને વાતાવરણમાં પલટો આવ્યો હતો. જ્યારે સોમવારે ગુજરાતના અનેક તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં નર્મદાના ગરૂડેશ્વરમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદમાં વીજળી પડતા રાજ્યમા બે લોકોના મોત નિપજ્યા છે. તો એકનું વીજળી પડતા તો અન્યનું મકાન પડતાં મોત થયું છે. તો હજુ 3 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. આજે ગુજરાતના 10 જિલ્લાઓમાં માવઠાનું સંકટ મંડરાઈ રહ્યું છે. 5થી 10 કિમીની ઝડપે પવન ફૂંકાવાની હવામાનની આગાહી છે.
રાજ્યમાં સૌથી વધુ 42.8 ડિગ્રી તાપમાન ડીસામાં નોધાઈ હતી. ડીસા બાદ સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 42.4 ડિગ્રી નોંધાયું. રાજકોટમાં 42 સુરેન્દ્રનગરમાં, 42.3 ડીગ્રી તાપમાન રહ્યુ. આમ, રાજ્યના ચાર જિલ્લાઓમાં તાપમાન 42 ડિગ્રીથી વધુ હતુ. જોકે વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં થોડો ઘટાડો થયો છે. ભારે પવન સાથે વંટોળની સ્થિતિ બનતા અમદાવાદમાં ઝાડ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી હતી..
મળતી માહિતી અનુસાર 14 મેએ બનાસકાંઠા, સાબરકાંઠા, મેહસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 15 મેએ અરવલ્લી,ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વરસાદની આગાહી કરવામાં આી છે. જ્યારે 16 મેએ બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. જેમાં ગાજવીજ અને ભારે પવનનો સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે. અમદાવાદમાં 14 અને 15 તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
આ સિવાય અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.