Vibrant Gujarat Summit 2027: ગુજરાત સરકારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027ના પ્રચારાર્થે લખનૌની હોટેલ હિલ્ટન ખાતે રોડ શોનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત અને ઉત્તર પ્રદેશના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને રોકાણકારોએ ભાગ લીધો હતો. ગુજરાત સરકારના મંત્રી રમણભાઈ સોલંકીના નેતૃત્વમાં યોજાયેલા આ રોડ શોમાં ઉત્તર પ્રદેશના ઉદ્યોગજગતને 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનારી સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ગુજરાતના રોકાણ અને ઔદ્યોગિક વિકાસની રજૂઆત: કાર્યક્રમમાં ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ મમતા વર્માએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027ની થીમ ‘વિકસિત ગુજરાત – વૈશ્વિક ભવિષ્યને આકાર આપવો’ અંગે રજૂઆત કરી હતી. તેમણે ગુજરાતનું આશરે 318 અબજ ડોલરનું અર્થતંત્ર, મજબૂત ઉત્પાદન ક્ષમતા અને દેશની કુલ વેપારી નિકાસમાં રાજ્યનો 25 ટકા હિસ્સો હોવાની માહિતી આપી હતી. સાથે જ રાજ્યના વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ, પ્રગતિશીલ નીતિઓ અને અનુકૂળ વ્યવસાયિક વાતાવરણ વિશે પણ જણાવ્યું હતું.
ગુજરાત અને ઉત્તર પ્રદેશ વચ્ચે રોકાણની તકો: મંત્રી રમણભાઈ સોલંકીએ ઇલેક્ટ્રોનિક્સ, સંરક્ષણ, એરોસ્પેસ, ફૂડ પ્રોસેસિંગ, ટેક્સટાઇલ, IT, લોજિસ્ટિક્સ, સેમિકન્ડક્ટર, નવીનીકરણીય ઊર્જા અને નાણાકીય સેવાઓ જેવા ક્ષેત્રોમાં બંને રાજ્યોની પૂરક ક્ષમતાઓ પર ભાર મૂક્યો હતો. ઉત્તર પ્રદેશના ઉર્જા અને શહેરી વિકાસ મંત્રી અરવિંદ કુમાર શર્માએ ગુજરાત અને ઉત્તર પ્રદેશને દેશના વિકાસમાં યોગદાન આપતાં બે મહત્વપૂર્ણ વિકાસ કેન્દ્રો ગણાવ્યાં હતાં.
ઉદ્યોગપતિઓ સાથે બેઠક અને રોકાણની ચર્ચા: રોડ શો દરમિયાન ગુજરાતના પ્રતિનિધિમંડળે ઉત્તર પ્રદેશના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજી હતી. રસાયણો, એરોસ્પેસ, સંરક્ષણ, આરોગ્યસંભાળ, ફૂડ પ્રોસેસિંગ અને એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં રોકાણની સંભાવનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉદ્યોગ પ્રતિનિધિઓએ ગુજરાતના વ્યવસાયિક વાતાવરણ, પારદર્શક વહીવટ અને સરકારની નીતિઓ અંગે પોતાના અનુભવો રજૂ કર્યા હતા. લખનૌમાં વસતા ગુજરાતી સમુદાયને પણ સમિટમાં જોડાવા આમંત્રણ અપાયું હતું.
10થી 12 જાન્યુઆરીએ યોજાશે 11મી સમિટ: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન સાથે થઈ હતી. હવે તેની 11મી આવૃત્તિ 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે. ‘વિકસિત ગુજરાત – વૈશ્વિક ભવિષ્યને આકાર આપવો’ થીમ સાથે યોજાનારી આ સમિટનો હેતુ વૈશ્વિક ભાગીદારી મજબૂત બનાવવા, નવા રોકાણો આકર્ષવા અને વિકસિત ભારત 2047ના લક્ષ્યમાં ગુજરાતનું યોગદાન વધારવાનો છે.




