Ban on sale of non-vegetaround Somnath Mandir: ગુજરાત હાઈકોર્ટે પ્રખ્યાત સોમનાથ મંદિરની આસપાસ માંસાહારી ખોરાકના વેચાણ અને સંગ્રહ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને 16 ડિસેમ્બર સુધી લંબાવ્યો છે. બુધવારે મુખ્ય ન્યાયાધીશ માનશ રંજન પાઠક અને ન્યાયાધીશ નિર્ઝર દેસાઈની બનેલી ડિવિઝન બેન્ચે આ નિર્ણય લીધો હતો.

કોર્ટે જણાવ્યું હતું કે 30 ઓક્ટોબરના રોજ જારી કરવામાં આવેલો વચગાળાનો આદેશ આગામી સુનાવણી સુધી અમલમાં રહેશે. આથી સોમનાથ મંદિરની 500 મીટરની ત્રિજ્યામાં માંસાહારી ખોરાકના વેચાણ, તૈયારી અને સંગ્રહ પરનો પ્રતિબંધ હાલ યથાવત રહેશે.

ગુજરાત સરકારે સિંગલ જજના આદેશને પડકાર્યો

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે 10 ઓગસ્ટના રોજ એક નોટિફિકેશન જાહેર કરીને Somnath Mandirની આસપાસના 500 મીટરના વિસ્તારમાં માંસ, મટન, માછલી સહિતની માંસાહારી વાનગીઓની તૈયારી, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂક્યો હતો.

મંદિરની આસપાસ વ્યવસાય કરતી કેટલીક રેસ્ટોરાંએ આ પ્રતિબંધને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટના સિંગલ જજે કલેક્ટરનું નોટિફિકેશન રદ કરવાનો આદેશ આપ્યો હતો.

જોકે, ગુજરાત સરકારે સિંગલ જજના આ નિર્ણય સામે ડિવિઝન બેન્ચમાં અપીલ કરી હતી. 30 ઓક્ટોબરે ડિવિઝન બેન્ચે સરકારની અપીલની સુનાવણી દરમિયાન સિંગલ જજના આદેશ પર સ્ટે આપ્યો હતો અને કલેક્ટરનું નોટિફિકેશન ફરી અમલમાં રાખ્યું હતું.

સુપ્રીમ કોર્ટે 2 મહિનામાં નિર્ણય લેવા આપ્યો હતો નિર્દેશ

ડિવિઝન બેન્ચના આદેશ સામે રેસ્ટોરાં સંચાલકોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સુપ્રીમ કોર્ટે 6 નવેમ્બરના રોજ તેમની અરજીનો નિકાલ કરતી વખતે ગુજરાત હાઈકોર્ટને રાજ્ય સરકારની અપીલ પર 2 મહિનાની અંદર નિર્ણય લેવા નિર્દેશ આપ્યો હતો.

હવે ગુજરાત હાઈકોર્ટે પ્રતિબંધને 16 ડિસેમ્બર સુધી લંબાવ્યો છે. આગામી સુનાવણી અને અંતિમ નિર્ણય સુધી સોમનાથ મંદિરની આસપાસના 500 મીટરના વિસ્તારમાં માંસાહારી ખોરાકને લગતું કલેક્ટરનું નોટિફિકેશન અમલમાં રહેશે.