Junagadh Lili prikrma news: લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર ગણાતી ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન આ વર્ષે 20થી 24 નવેમ્બર, 2026 દરમિયાન કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત વન વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પરિક્રમાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. યાત્રાળુઓને પીવાનું પાણી, આરોગ્ય સેવા, લાઇટિંગ, ભોજન અને સુરક્ષા સહિતની તમામ જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.

પરિક્રમાની તૈયારીઓના ભાગરૂપે ગિરનારના સંતો, જનપ્રતિનિધિઓ અને વહીવટી અધિકારીઓએ પરિક્રમા રૂટનું સંયુક્ત નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન ઇન્દ્રભારતી બાપુ, મહેશગીરી બાપુ, મહેન્દ્રાનંદગીરી બાપુ, મહાદેવગીરી બાપુ અને કિશનદાસ બાપુ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત સાંસદ રાજેશ ચુડાસમા, મેયર ધર્મેશ પોશિયા, ધારાસભ્ય સંજય કોરડિયા, જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર આઈ.આર. વાળા, જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા અને નાયબ વન સંરક્ષક અક્ષય જોશીએ પણ રૂટની મુલાકાત લીધી હતી.

36 કિલોમીટર લાંબી પરિક્રમા, 20 નવેમ્બરે મધરાતથી પ્રારંભ

ગિરનારની લીલી પરિક્રમા 20 નવેમ્બરની મધરાતે ભવનાથ મહાદેવ મંદિરની તળેટીથી શરૂ થશે. આશરે 36 કિલોમીટરના પરિક્રમા માર્ગમાં ઝીણા બાબાના મંદિર, માડવેલા અને બોરદેવી સહિતનાં સ્થળોનો સમાવેશ થાય છે. આ માર્ગ પૂર્ણ કરીને શ્રદ્ધાળુઓ ફરી પ્રારંભિક સ્થળે પહોંચશે.

વૃદ્ધો, બાળકો અને નબળા લોકોને ખાસ અપીલ

ગિરનાર પરિક્રમાનો માર્ગ કઠિન અને મુશ્કેલ હોવાથી સંતો તથા જનપ્રતિનિધિઓએ વૃદ્ધો, બાળકો અને શારીરિક રીતે નબળા લોકોને શક્ય હોય ત્યાં સુધી પરિક્રમા ટાળવા અપીલ કરી છે. યાત્રા દરમિયાન પોતાની શારીરિક ક્ષમતા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા પણ સૂચન કરવામાં આવ્યું છે.

વરસાદ ઓછો હોવાથી બોરવેલથી પાણીની વ્યવસ્થા વધારાશે

જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે આ વર્ષે વરસાદ ઓછો પડ્યો હોવાથી કુદરતી જળસ્રોતોમાં પાણીની ઉપલબ્ધતા ઘટી છે. તેથી લાખો શ્રદ્ધાળુઓને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે બોરવેલ મારફતે પાણી પુરવઠો વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

કલેક્ટરે પરિક્રમાને પ્લાસ્ટિકમુક્ત રાખવા પણ અપીલ કરી છે. યાત્રાળુઓને સિંગલ યુઝ પ્લાસ્ટિક, પ્લાસ્ટિકની થેલીઓ, કપ અને બોટલનો ઉપયોગ ટાળવા તેમજ ફરીથી ઉપયોગ કરી શકાય તેવી પાણીની બોટલો સાથે રાખવા સૂચના આપવામાં આવી છે. યાત્રાળુઓને પર્યાવરણને અનુકૂળ બેગનું વિતરણ પણ કરવામાં આવશે.

કામચલાઉ હોસ્પિટલો, એમ્બ્યુલન્સ અને SDRF ટીમ રહેશે તૈનાત

યાત્રાળુઓની સુરક્ષા અને આરોગ્યને ધ્યાનમાં રાખીને પરિક્રમા રૂટ પર કામચલાઉ હોસ્પિટલો ઊભી કરવામાં આવશે. એમ્બ્યુલન્સની વ્યવસ્થા સાથે ડોક્ટરો, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની ટીમો 24 કલાક સેવા આપશે.

આ ઉપરાંત પૂરતા પ્રમાણમાં દવાઓ અને મેડિકલ કિટ ઉપલબ્ધ રાખવામાં આવશે. જરૂરિયાત મુજબ ICU સુવિધા, પાર્કિંગ અને માહિતી કેન્દ્રની પણ વ્યવસ્થા કરવામાં આવશે. કોઈપણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે SDRFની ટીમ પણ તૈનાત રહેશે.

CCTVથી સુરક્ષા વ્યવસ્થા, અન્નક્ષેત્રો માટે ખાસ વાહન પાસ

જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પાર્કિંગ સ્થળો અને અન્ય મહત્ત્વનાં સ્થળોએ CCTV કેમેરા સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે.

અન્નક્ષેત્રો અને ઉતારા મંડળો માટે ખાસ વાહન પાસ જારી કરવામાં આવશે. આ ઉપરાંત પરિક્રમા માર્ગનું સમારકામ, ટ્રાફિક નિયંત્રણ, પાર્કિંગ, પરિવહન, લાઇટિંગ અને ભોજન વિતરણ કેન્દ્રોની વ્યવસ્થા સમયસર પૂર્ણ કરવા સંબંધિત વિભાગોને સૂચનાઓ આપવામાં આવી છે.

વહીવટીતંત્ર દ્વારા વન વિભાગ, પોલીસ અને અન્ય સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને પરિક્રમા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓને સુવિધા અને સુરક્ષા મળી રહે તે માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.