Gopal Italia News: વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય Gopal Italia દ્વારા ફેબ્રુઆરી મહિનામાં યોજાયેલા વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન જનહિત અને વિસ્તારના પ્રશ્નો અંગે કરવામાં આવેલી રજૂઆતો અને તેના સકારાત્મક પરિણામોની વિગતો જાહેર કરવામાં આવી છે. વિધાનસભામાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નોમાં વિસાવદર ફરતે બાયપાસ બનાવવા માટે રૂ. 20 કરોડના ખર્ચની મંજૂરી મળી ગઈ છે, તેમજ કાછીયાનાકાથી સાસણ સુધીના રોડ માટે રૂ. 2500 કરોડના ખર્ચે એલિવેટેડ કોરિડોર બનાવવાની દરખાસ્ત જૂનાગઢ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત, વિસાવદર તાલુકાના 14 ગામો સહિત તાલાલા અને મેંદરડાના ખેડૂતોની બૂદાન અને સાંથણીની જમીનમાં વર્ષ ૧૯૭૫થી લાગેલી “અનામત જંગલ જમીન” ની નોંધ રદ્દ કરવા માટે સરકારની મંજૂરી મળી ગઈ છે અને જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા વિગતવાર દરખાસ્ત પણ સરકારમાં મોકલી દેવાઈ છે, જેથી ખેડૂતોને અટકેલા સરકારી લાભો મળવાનો માર્ગ મોકળો થયો છે. વળી, ૨૫ વર્ષથી અટકેલી કાનાવડલા નાની સિંચાઈ યોજના માટે હાલ જમીન સંપાદનની કામગીરી પણ પૂરજોશમાં ચાલુ છે.
આ સિવાય આઝાદી પછી પ્રથમ વખત હસનાપુર ગામ “જંગલ સેટલમેન્ટ વિલેજ” હોવા છતાં ત્યાંના ખેડૂતોને પાક નુકશાનીનું વળતર અપાવવામાં આવ્યું છે અને આ ગામને રેવન્યુ વિલેજ તરીકે તબદીલ કરવાની બાબતને પણ સરકારની મંજૂરી મળતાં કલેક્ટર દ્વારા દરખાસ્ત મોકલાવી દેવાઈ છે. સાથે જ વિસાવદર અને સમગ્ર ગીર પંથકમાંથી ઇકો-સેન્સિટીવ ઝોન હટાવવાની રજૂઆતના સંદર્ભમાં પ્રસ્તાવિત ઇકો-ઝોનના જાહેરનામાની તારીખ પૂરી થઈ ગઈ હોવાથી તે આપમેળે રદ્દ ગણાય છે. વિધાનસભામાં જનતાના પ્રશ્નો અને પડતર સમસ્યાઓ અંગે કરવામાં આવેલી આ રજૂઆતોથી અનેક મહત્ત્વના મુદ્દાઓનું આંશિક તેમજ સંપૂર્ણ નિરાકરણ આવ્યું છે, જેની પારદર્શક માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી જનતા સમક્ષ મૂકવામાં આવી છે.




