Ahmedabad Congress News: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આસો વદ અમાસના પવિત્ર દિવસે અમદાવાદના પાલડી સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે દિવાળી ચોપડા લક્ષ્મી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાના હસ્તે મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ-વિધાન સાથે માતા મહાલક્ષ્મીનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો, ધારાસભ્યો, કોર્પોરેટરો, વિવિધ પદાધિકારીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમિત ચાવડાએ પત્રકારો અને નાગરિકોને પાઠવી શુભેચ્છાઓ

પૂજન કાર્યક્રમ બાદ અમિત ચાવડાએ ઉપસ્થિત પત્રકારો સાથે શુભેચ્છાઓની આપ-લે કરી હતી. તેમણે સૌને દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ પ્રાર્થના વ્યક્ત કરી હતી કે દિવાળીનો પર્વ દેશ અને ગુજરાતના નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સદભાવનાનો પ્રકાશ પાથરે.

ખેડૂતો, યુવાનો અને વેપારીઓના જીવનમાં ખુશાલી આવે તેવી પ્રાર્થના

અમિત ચાવડાએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે દિવાળી માત્ર રોશનીનો તહેવાર નથી, પરંતુ નિરાશા દૂર કરીને આશા, વિશ્વાસ અને સામાજિક સમરસતાનો નવો સૂર્યોદય લાવવાનો અવસર છે.

તેમણે માતા મહાલક્ષ્મીને પ્રાર્થના કરી હતી કે દેશ અને ગુજરાતના ખેડૂતો, યુવાનો, વેપારીઓ તેમજ ગરીબ અને વંચિત વર્ગ સહિત દરેક નાગરિકના ઘરમાં અન્ન, ધન અને ખુશાલીના ભંડાર ભરેલા રહે. સમાજમાં ભાઈચારો અને એકતા વધુ મજબૂત બને તથા ગુજરાત પ્રગતિના નવા શિખરો સર કરે.

દિવાળીના પર્વે પ્રેમ, ભાઈચારો, એકતા અને સામાજિક સદભાવનાની ભાવના વધુ મજબૂત બને તેવી શુભકામનાઓ સાથે પૂજન કાર્યક્રમ સંપન્ન થયો હતો.