Rajkot News: સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં પીવાના પાણી અને સિંચાઈની જરૂરિયાતો પૂરી કરવા માટે રાજ્ય સરકારે ₹1,074 કરોડના પાણી પુરવઠા પ્રોજેક્ટ્સની કામગીરી ઝડપી બનાવી છે. રાજકોટ સર્કિટ હાઉસ ખાતે જળ સંસાધન અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં પાણીની ઉપલબ્ધતા તથા ભવિષ્યની જરૂરિયાતો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
39 તાલુકાનાં 2,219 ગામોને મળશે લાભ
મુખ્ય ઇજનેર એસ.વાય. મનસુરીએ બેઠકમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે રાજકોટ ઝોન-3માં 5 જિલ્લાઓના 39 તાલુકા અને 2,219 ગામોનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં અંદાજે 79 લાખ લોકોને પાણી પૂરું પાડવા માટે 71 ફિલ્ટર પ્લાન્ટ અને 10,854 કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક કાર્યરત છે. હાલમાં 1,800થી વધુ ગામોમાં નિયમિત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.
₹575 કરોડના 12 પ્રોજેક્ટ્સ ચાલુ, ₹499 કરોડના નવા કામોનું આયોજન
નાગરિકોને નિયમિત અને પૂરતું શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે આશરે ₹575 કરોડના ખર્ચે 12 પ્રોજેક્ટ્સની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત ₹499 કરોડના ખર્ચે 11 નવા પ્રોજેક્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, કુલ ₹1,074 કરોડના પ્રોજેક્ટ્સ દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી પુરવઠાની વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનું આયોજન છે.
દ્વારકા અને જામનગરમાં પાણીની તંગી દૂર કરવા સૂચના
રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે દેવભૂમિ દ્વારકા અને જામનગરના પાણીની તંગીનો સામનો કરી રહેલા વિસ્તારોમાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા સૂચના આપી હતી. આ માટે વૈકલ્પિક કુવાઓનું નવીનીકરણ, પમ્પિંગ મશીનરીની ક્ષમતા વધારવા અને સૌની યોજના (SAUNI)ની પાઇપલાઇન સાથે જોડાણનું કામ તાત્કાલિક શરૂ કરવા જણાવ્યું હતું. ટેકનિકલ કારણોસર પાણી ન મળતું હોય તેવા ગામો અને જૂથ પાણી પુરવઠા યોજનાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
જુલાઈ 2027 સુધી પાણીની ઉપલબ્ધતાનું આયોજન
સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં જુલાઈ 2027 સુધી જળાશયોમાં પાણીનો જથ્થો અને સંગ્રહ ક્ષમતા અંગે ચર્ચા થઈ હતી. ભાદર, શેત્રુંજી અને મચ્છુ સહિતના મુખ્ય જળાશયોની સ્થિતિ તેમજ સૌની યોજનાના વિવિધ તબક્કાઓ અને લિંક્સની સમીક્ષા કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર ઝોનના મુખ્ય ઇજનેર એસ.જી. પંડ્યાએ જણાવ્યું હતું કે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે અને ગ્રામીણ તથા શહેરી વિસ્તારોમાં પીવાના પાણીની અછત ઊભી ન થાય તે માટે આગોતરું આયોજન તૈયાર કરવામાં આવ્યું છે.
નદી ઊંડી કરવા અને ચેકડેમના કામોની સમીક્ષા
રાજ્યમંત્રીએ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ચાલી રહેલા નદી ઊંડાણ અને કાંપ કાઢવાના કામોની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત પૂર સંરક્ષણ દિવાલો, ચેકડેમ અને બેરેજના બાંધકામની પ્રગતિ અંગે પણ માહિતી મેળવી હતી.
સૌની યોજના હેઠળ હાલની પાઇપલાઇનો નજીક આવેલા પાણીના સ્ત્રોતોને નર્મદા નદી સાથે જોડવાના પ્રોજેક્ટ્સની પણ સમીક્ષા કરવામાં આવી હતી. ભાવનગર સિંચાઈ યોજના વર્તુળ હેઠળ ₹5 કરોડથી વધુના પ્રસ્તાવિત કામો અંગે પણ ચર્ચા થઈ હતી.
ઓછા વરસાદવાળા વિસ્તારો માટે આગોતરી વ્યવસ્થા
મંત્રીએ અધિકારીઓને સૂચના આપી હતી કે ઓછો વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારોમાં પીવા અને સિંચાઈ માટે પાણીની અછત ન સર્જાય તે માટે અગાઉથી વ્યવસ્થા કરવામાં આવે. કુવા અને બોરવેલ સહિતના વૈકલ્પિક જળસ્રોતોને સક્રિય કરીને જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરવા પણ ભાર મૂક્યો હતો.




