Somnath News: ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિરની આસપાસ માંસાહારી રેસ્ટોરાં પર લગાવવામાં આવેલા પ્રતિબંધને હટાવવાની માગણી કરતી રેસ્ટોરાં માલિકોની અરજી પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના વચગાળાના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. આ સાથે જ હાઇકોર્ટને સમગ્ર મામલે શક્ય તેટલી વહેલી તકે અંતિમ નિર્ણય આપવા જણાવ્યું છે.
ન્યાયાધીશ એમ.એમ. સુંદરેશ અને પી.બી. વરાલેની બેન્ચે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે આ મામલે સંતુલન જાળવવાની જરૂર છે. બેન્ચે સ્પષ્ટ કર્યું કે હાલ આ કેસ વચગાળાના તબક્કામાં છે અને આ સમયે વધુ ટિપ્પણી કરવામાં આવશે નહીં.
રેસ્ટોરાં માલિકોએ વ્યવસાયને નુકસાન થવાની દલીલ કરી
સુપ્રીમ કોર્ટમાં અરજી કરનારા રેસ્ટોરાં માલિકોએ દલીલ કરી હતી કે પ્રતિબંધને કારણે તેમના વ્યવસાયને મોટું નુકસાન થશે. તેમણે દાવો કર્યો હતો કે દેશની આશરે 80% વસ્તી માંસાહારી ભોજન લે છે અને આ પ્રકારના પ્રતિબંધથી રેસ્ટોરાંના રોજગાર તથા આવક પર અસર પડશે.
જોકે, સુપ્રીમ કોર્ટે આ તબક્કે પ્રતિબંધ હટાવવાની માગણી સ્વીકારી નહોતી. બેન્ચે હાઇકોર્ટને મામલાની સુનાવણી ઝડપી બનાવવા અપીલ કરી હતી. સુનાવણી દરમિયાન બેન્ચે હળવી ટિપ્પણી કરતાં કહ્યું હતું કે દિવાળીના પ્રકાશના પર્વની ઉજવણી મીઠાઈ ખાઈને કરો અને શાકાહારી-માંસાહારી ભોજનના મુદ્દાને હાલ બાજુ પર રાખો.
10 ઓગસ્ટના DMના જાહેરનામાને લઈને વિવાદ
આ સમગ્ર વિવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) દ્વારા 10 ઓગસ્ટે બહાર પાડવામાં આવેલા જાહેરનામા સાથે જોડાયેલો છે. આ જાહેરનામા હેઠળ સોમનાથ મંદિરની આસપાસના નિર્ધારિત વિસ્તારોમાં દુકાનો, રેસ્ટોરાં અને રસ્તા પરના ખાણીપીણીના સ્ટોલમાં માંસાહારી ખાદ્યપદાર્થો તૈયાર કરવા, વેચવા કે સંગ્રહ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પ્રતિબંધિત વિસ્તારમાં મંદિરની આસપાસના 500 મીટરના વિસ્તાર સહિત કેટલાક નિર્ધારિત રસ્તાઓનો સમાવેશ થાય છે.
હાઇકોર્ટ બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
DMના આદેશને પડકારતાં સંબંધિત વિસ્તારોમાં વ્યવસાય કરતા રેસ્ટોરાં માલિકોએ ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હાઇકોર્ટની સિંગલ બેન્ચે 30 ઓક્ટોબરે અરજી સ્વીકારી રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો હતો.
રાજ્ય સરકાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે તહેવાર દરમિયાન ચોક્કસ વિસ્તારોમાં માંસ, માછલી અને માંસાહારી ખોરાકનું વેચાણ થવાથી દર્શનાર્થે આવતા ભક્તોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી શકે છે અને તેમને અસુવિધા થઈ શકે છે.
હાઇકોર્ટમાં થયેલી કાર્યવાહી અને વચગાળાના પ્રતિબંધના આદેશ બાદ રેસ્ટોરાં માલિકોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે હાલના તબક્કે પ્રતિબંધ હટાવવાનો ઇનકાર કર્યો છે અને હાઇકોર્ટને વહેલી તકે અંતિમ ચુકાદો આપવા જણાવ્યું છે. હવે આ મામલે હાઇકોર્ટના અંતિમ નિર્ણય પર સૌની નજર રહેશે.




