Niranjan Vasava AAP: આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તથા નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે નર્મદા અને ભરૂચ જિલ્લામાં અને એમાં પણ ખાસ કરીને નર્મદા જિલ્લામાં જે ખેડૂતો 20-25 વર્ષથી ખેતી કરે છે, એમની સનદની જમીનના દાવાઓ પેન્ડિંગ છે. ઘણીવાર ખેડૂતોએ આ મુદ્દે ધરણા કર્યા પરંતુ સરકારના મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો આવીને એ લોકોને પારણા કરાવ્યા અને મોટા મોટા વાયદાઓ અને વચનો આપ્યા પરંતુ ભરૂચના, છોટાઉદેપુરના સાંસદ હોય કે રાજ્યસભાના સાંસદ હોય એમનું ક્યાંય કઈ ચાલતું નથી. વિધાનસભા અને સંસદમાં કદાચ એ લોકો ચા નાસ્તો કરવા માટે જાય છે, જો રાજ્યમાં અને કેન્દ્રની સરકારમાં કોઈ એમનું સાંભળતું ન હોય તો આ એમના માટે ખૂબ જ શરમજનક બાબત છે. ભરૂચ જિલ્લામાં જીએમડીસીના નામે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે, હાઇડ્રો પ્રોજેક્ટ, કેનાલો અને કોરિડોરો જેવી અનેક યોજનાઓના નામે ખેડૂતોની જમીનો લેવાઈ ગઈ છે. અને જે વર્ષોથી દાવાઓ પેન્ડિંગ છે એ જમીનોનું આજે પણ નિરાકરણ થતું નથી. તો હવે આ સાંસદો અને ધારાસભ્યોને કોમેડી શોમાં મનોરંજન માટે મોકલવા પડે એમ લાગે છે. તમે લોકો ફક્ત પોતાની વાહવાહી મેળવવા માટે મીડિયાના માધ્યમથી મોટી મોટી વાતો કરો છો, પણ જનતાની સમસ્યાનો નિરાકરણ ન આવતું ન હોય તો તમે કરો છો શું?
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા Niranjan Vasavaએ જણાવ્યું હતું કે સાગબારામાં 630 છે જેટલા દાવાઓ પેન્ડિંગ છે એનું કોઈ નિરાકરણ આવતું નથી. જો આ સાંસદો કે ધારાસભ્યથી કામ ન થતા હોય તો તે લોકોએ રાજીનામું આપી દેવું જોઈએ. જે લોકો આ નેતાઓ પાછળ ઝંડાઓ લઈને ચાલે છે અને આ નેતાઓથી પાપડ પણ ભાંગે એમ નથી તો હવે લોકોને હું કહેવા માંગીશ કે હવે આ નેતાઓ પાછળ ચપ્પલ ઘસવાનું બંધ કરો અને જાગૃત થાઓ. આજે જો અમારા ચૈતરભાઈ વસાવા હોત તો તેઓ નર્મદા અને ભરૂચ જિલ્લાના તમામ દાવાઓનું નિરાકરણ લાવતા, વિધાનસભામાં અવાજ ઉઠાવતા, સરકાર સામે, અધિકારીઓ સામે અવાજ ઉઠાવતા અને સમસ્યાઓનું નિરાકરણ લાવતા. અલગ અલગ જિલ્લાઓમાં દાવાઓ જે પેન્ડિંગ છે, તેનું નિરાકરણ લાવવામાં આવે છે તો પછી ભરૂચ અને નર્મદા જિલ્લામાં કેમ નિરાકરણ આવતું નથી? હવે નર્મદા અને ભરૂચ જિલ્લાના લોકોને મારે કહેવું છે કે ભાજપને જાકારો આપો. રોડ રસ્તાના પ્રશ્નો, આરોગ્યના પ્રશ્નો, શિક્ષણના પ્રશ્નો અને આ સનદની જમીનોના પ્રશ્નો મુદ્દે ખેડૂતો અને બીજા તમામ લોકો લડત લડી રહ્યા છે, આજે આપણે જોયું કે 10-12 જિલ્લાઓની જે ફાળવણી કરવામાં આવી છે એમાં નર્મદા કે ભરૂચ જિલ્લો ક્યાંય નથી, તો હવે જનતાના કામ ન કરાવનાર નેતાઓએ રાજનીતિમાંથી નિવૃત્તિ લઈ લેવી જોઈએ.




