Amreli Leopard Attack: સીમમાં ખેતર પાસે ખેતમજૂર પરિવારની એક યુવતી પર દીપડાએ હુમલો કરતાં તે ઘાયલ થઈ હતી. યુવતીને ગળા અને છાતીના ભાગે ઈજાઓ પહોંચી હતી. તેને પ્રથમ ધારીની સરકારી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં આવી હતી.
મોબાઈલ ફોન આપવા જતી યુવતી પર દીપડાનો હુમલો
મળતી માહિતી મુજબ દેવલા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં યુવતી હાજર હતી. તે દરમિયાન અચાનક દીપડો ત્યાં આવી પહોંચ્યો અને તેના પર હુમલો કર્યો હતો. યુવતીના પિતા નિઝામભાઈ રાઠોડના જણાવ્યા અનુસાર, કેટલાક બાળકો મોબાઈલ ફોન આપવા માટે ગામ તરફ જઈ રહ્યાં હતાં. મોબાઈલ ફોન ચાલુ હતો તે દરમિયાન દીપડાએ યુવતી પર હુમલો કર્યો હતો. જોકે, દીપડો યુવતીને છોડીને ત્યાંથી ભાગી ગયો હતો.
હુમલામાં યુવતીની ગરદન અને છાતીના ભાગે દીપડાના પંજાના નિશાન પડ્યાં હતાં. ઘટનાને પગલે આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પરિવારજનો અને સ્થાનિક લોકોએ યુવતીને તાત્કાલિક ધારીની સરકારી હોસ્પિટલમાં પહોંચાડી હતી.
પ્રાથમિક સારવાર બાદ અમરેલી રિફર કરાઈ
ધારી સરકારી હોસ્પિટલનાં ડૉક્ટર સંજનાના જણાવ્યા અનુસાર, 5 નવેમ્બરના રોજ દીપડાના હુમલામાં ઘાયલ યુવતીને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. તેની ગરદન અને છાતી પર પંજાના ઘા હતા. ઈજાઓ ગંભીર ન હતી અને સારવાર દરમિયાન તેની હાલત સ્થિર હતી. પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવી હતી.
એક અઠવાડિયામાં બાળકો પર દીપડાના બે હુમલા
ધારી વિસ્તારમાં એક અઠવાડિયામાં દીપડાના હુમલાની આ બીજી ઘટના છે. આ અગાઉ નાગધરા ગામની સીમમાં દીપડાએ સાત વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. હવે દેવલા ગામમાં યુવતી પર થયેલા હુમલાને પગલે ખેતમજૂર પરિવારોની ચિંતા વધી છે.
હાલમાં કપાસની કાપણીની સિઝન ચાલી રહી હોવાથી મજૂરો લાંબો સમય ખેતરોમાં વિતાવે છે. ઘણી વખત બાળકો પણ પરિવાર સાથે ખેતરોમાં જાય છે. આવી સ્થિતિમાં દીપડાની અવરજવરથી બાળકોની સુરક્ષા સામે જોખમ ઊભું થયું છે.
દીપડાને પકડવા ગ્રામજનોની માગ
વારંવાર દીપડાના હુમલાની ઘટનાઓને પગલે ગ્રામજનોએ વન વિભાગ પાસે અસરગ્રસ્ત વિસ્તારોમાં દેખરેખ વધારવાની માગ કરી છે. સાથે જ દીપડાની ગતિવિધિઓ પર નજર રાખવા અને તેને પકડવા માટે પાંજરાં ગોઠવવાની પણ માગ ઉઠી છે. ગ્રામજનોમાં ખાસ કરીને ખેતરોમાં કામ કરતા પરિવારો અને તેમનાં બાળકોની સુરક્ષાને લઈને ચિંતા જોવા મળી રહી છે.




