Ahmedabad CNG Price Hike: દિવાળીના તહેવાર પહેલાં અમદાવાદના CNG વાહનચાલકોને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. ગુરુવારે CNGના ભાવમાં પ્રતિ કિલો ₹2.30નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે શહેરમાં CNGનો ભાવ ₹98.47થી વધીને ₹100.77 પ્રતિ કિલો થયો છે. CNGનો ભાવ પહેલી વખત ₹100ને પાર પહોંચતાં ઓટો રિક્ષા અને ટેક્સીચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

15 દિવસમાં CNGના ભાવમાં બીજો વધારો

છેલ્લા 15 દિવસમાં CNGના ભાવમાં આ બીજો વધારો છે. અગાઉ 23 ઓક્ટોબરે પ્રતિ કિલો ₹4.40નો વધારો કરવામાં આવ્યો હતો. આમ, માત્ર 15 દિવસમાં CNGના ભાવમાં આશરે ₹6.75નો વધારો થયો છે. જ્યારે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં CNG પ્રતિ કિલો ₹19.60 મોંઘો થયો છે. 23 જાન્યુઆરીએ CNGનો ભાવ ₹81.17 હતો, જે હવે વધીને ₹100.77 થયો છે.

રિક્ષાચાલકોએ મેમનગર ફાયર સ્ટેશન પાસે વિરોધ નોંધાવ્યો

CNGના ભાવ વધારાના વિરોધમાં ઓટો રિક્ષાચાલકો મેમનગર ફાયર સ્ટેશન પાસે એકઠા થયા હતા. અમદાવાદ રિક્ષા ડ્રાઇવર્સ યુનિટી યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ ભાવ વધારાને ઉગ્ર શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. તેમણે સરકાર અને સંબંધિત વિભાગોને તાત્કાલિક ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી.

યુનિયનનું કહેવું છે કે થોડા દિવસ પહેલાં જ CNGના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો હતો અને હવે તહેવારોની મોસમમાં ફરી ભાવ વધારવામાં આવ્યા છે. સરકાર CNG પરનો ટેક્સ ઘટાડીને રિક્ષા અને ટેક્સીચાલકોને રાહત આપે તેવી માંગ પણ કરવામાં આવી છે.

રિક્ષાભાડામાં પણ ₹5નો વધારો થયો

અમદાવાદમાં ચાર વર્ષ બાદ રિક્ષાના ભાડામાં લઘુત્તમ અને અંતર પ્રમાણેના ભાડામાં ₹5નો વધારો કરવામાં આવ્યો હતો. તેમ છતાં સતત વધી રહેલા CNGના ભાવને કારણે રિક્ષાચાલકોની આવક પર અસર પડી રહી હોવાનું યુનિયનોનું કહેવું છે.

પેટ્રોલ અને CNGના ભાવ સમાન હોવાનો દાવો

અમદાવાદ ઓટો રિક્ષા ડ્રાઇવર્સ વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ રાજ શિર્કેએ જણાવ્યું હતું કે CNGની શરૂઆત વખતે તેને પેટ્રોલ કરતાં 50 ટકા સસ્તું ગણાવવામાં આવતું હતું. જોકે, હાલ પેટ્રોલ અને CNGના ભાવ લગભગ સમાન સ્તરે પહોંચી ગયા હોવાનો તેમણે દાવો કર્યો હતો. સંગઠને ભાવ વધારાની સખત નિંદા કરીને વાહનચાલકોને રાહત આપવાની માંગ કરી છે.

CNGના સતત વધતા ભાવને કારણે અમદાવાદના રિક્ષા અને ટેક્સીચાલકોમાં અસંતોષ વધી રહ્યો છે. હવે સરકાર આ મામલે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.