Gujarat News: ગુજરાત સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળી પહેલાં મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો મંજૂર કર્યો છે. આ વધારા સાથે DAનો દર 60 ટકાથી વધીને 63 ટકા થયો છે.
9.69 લાખથી વધુ લોકોને મળશે લાભ
રાજ્ય સરકારના આ નિર્ણયથી 9.69 લાખથી વધુ લોકોને લાભ મળશે. જેમાં આશરે 4.62 લાખ સરકારી કર્મચારીઓ અને 5.07 લાખ પેન્શનરોનો સમાવેશ થાય છે.
જુલાઈથી અમલ, ચાર મહિનાનું એરિયર્સ મળશે
DAમાં આ વધારો 1 જુલાઈ, 2026થી અમલી બનશે. કર્મચારીઓ અને પેન્શનરોને જુલાઈથી ઓક્ટોબર 2026 સુધીના ચાર મહિનાના એરિયર્સની રકમ નવેમ્બરમાં ચૂકવવામાં આવનાર પગાર અને પેન્શન સાથે રોકડમાં આપવામાં આવશે. 4 મહિનાના બાકી મોંઘવારી ભથ્થાની ચૂકવણી માટે રાજ્ય સરકાર આશરે ₹523 કરોડનો ખર્ચ કરશે.
કોને મળશે લાભ?
રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓ, રાજ્યની યુનિવર્સિટીઓ, ટેકનિકલ શૈક્ષણિક સંસ્થાઓ તથા UGC પગારધોરણ હેઠળ પગાર મેળવતા પાત્ર કર્મચારીઓને પણ આ વધારાનો લાભ મળશે. આ નિર્ણયથી ગુજરાતના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળી પહેલાં આર્થિક રાહત મળશે.




