Chaitar Vasava AAP: ગાંધીનગરમાં આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ‘આદિવાસી ન્યાય મહાસંમેલન’ યોજાયું હતું. જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અને AAPના નેતાઓ-કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાસંમેલનમાં ચૈતર વસાવાની મુક્તિની માગ સાથે ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.

AAPના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે આરોપ લગાવ્યો હતો કે ચૈતર વસાવાએ આદિવાસી સમાજ, મનરેગા કૌભાંડ અને ઝઘડિયાના ફેક્ટરી મજૂરોના પ્રશ્નો ઉઠાવ્યા હોવાથી તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે. તેમણે 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સરકારને હરાવવાનો હુંકાર કર્યો હતો. સાથે જ દિવાળી બાદ દરેક બૂથ પર સંગઠન મજબૂત કરવા અને નવા વર્ષની શરૂઆતમાં ગામેગામ આંદોલન કરવાની હાકલ કરી હતી.

બીજી તરફ, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકારને ચૈતર વસાવાની મુક્તિ અંગે નિર્ણય લેવાની અપીલ કરી હતી. તેમણે ચૈતર વસાવા સામેની કાયદાકીય કાર્યવાહી ઝડપથી આગળ વધવા અંગે સવાલો ઉઠાવ્યા હતા અને ભાજપ સરકાર પર વિરોધીઓનો અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો હતો.

મહાસંમેલનમાં ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા, મનોજ સોરઠિયા, પ્રવીણ રામ સહિતના AAP નેતાઓ હાજર રહ્યા હતા. ચૈતર વસાવાની પત્નીઓ શકુન્તલાબેન અને વર્ષાબેન વસાવા દ્વારા હાથ ધરાયેલી ન્યાય યાત્રાની પણ પ્રશંસા કરવામાં આવી હતી.