Vadodara News: વડોદરાના નરસિંહજી કી પોળ વિસ્તારમાં એક પરિવારના સામૂહિક આપઘાતના કેસમાં પોલીસ તપાસ દરમિયાન અનેક વિગતો સામે આવી છે. ઘટનાસ્થળેથી મળેલી ત્રણ પાનાની સુસાઇડ નોટમાં પરિવારની આર્થિક મુશ્કેલીઓ, હોસ્પિટલના વ્યવસાયમાં પડતી અને દર્શિત નામના વ્યક્તિ સાથેના કથિત વ્યવસાયિક વિવાદનો ઉલ્લેખ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફાંસીને કારણે મૃત્યુ થયાની પુષ્ટિ થઈ છે.

પરિવાર પર ₹33 લાખનું દેવું, બે કારના EMI પણ બાકી

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, પરિવાર પર આશરે ₹33 લાખનું દેવું હતું. બે કારના હપ્તા પણ બાકી હતા. દેવું ચૂકવવા માટે પરિવાર ઘર વેચવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનું સુસાઇડ નોટમાં જણાવાયું છે. પરિવારની પોતાની હોસ્પિટલ પણ યોગ્ય રીતે ચાલી શકતી ન હોવાથી આર્થિક મુશ્કેલીઓ વધી રહી હતી.

પોલીસને ઘટનાસ્થળેથી ત્રણ પાનાની સુસાઇડ નોટ મળી હતી. જેમાંથી બે પાનાં માતા આરતી સોનીએ લખ્યાં હોવાનું અને એક પાનું પુત્રીએ લખ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. નોટમાં પરિવારની આર્થિક સ્થિતિ અને હોસ્પિટલના સંચાલન અંગેની ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હોવાનું પોલીસનું કહેવું છે.

સુસાઇડ નોટમાં ‘દર્શિત’ નામનો ઉલ્લેખ

તપાસ દરમિયાન સુસાઇડ નોટમાં દર્શિત નામના વ્યક્તિ સાથેના કથિત વ્યવસાયિક વિવાદનો પણ ઉલ્લેખ મળ્યો છે. જોકે, આ વિવાદની હકીકત અને પરિવારની ઘટના સાથે તેનો કોઈ સંબંધ છે કે નહીં, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારના સભ્યો અગાઉ અનેક નજીકના સ્વજનોને ગુમાવી ચૂક્યા હતા. આ કારણે તેઓ એકલતાનો અનુભવ કરતા હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી છે. સુસાઇડ નોટમાં બાળકો દ્વારા હોસ્પિટલ ફરી સારી રીતે ચાલે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

મોબાઇલ ફોન FSLમાં મોકલાયા, કોલ અને ચેટની તપાસ

આ કેસની વધુ તપાસ માટે પોલીસે મૃતક પરિવારના મોબાઇલ ફોન ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલ્યા છે. મોબાઇલમાંથી કોલ રેકોર્ડ, મેસેજ અને ચેટ સહિતના ડિજિટલ પુરાવાઓની તપાસ કરવામાં આવશે. ખાસ કરીને સુસાઇડ નોટમાં ઉલ્લેખિત દર્શિત નામના વ્યક્તિ સાથેના સંપર્ક અને કથિત વ્યવસાયિક વિવાદ અંગે માહિતી મેળવવામાં આવી રહી છે.

એસીપી જી.બી. બાંભણિયાના જણાવ્યા અનુસાર પોલીસ તમામ પાસાંને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. હાલ સુસાઇડ નોટ અને ડિજિટલ પુરાવાઓના આધારે ઘટનાના સંજોગો તથા પરિવાર પર આવેલા આર્થિક અને અન્ય દબાણ અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.