Ahmedabad Bomb blast Threat: ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત શહેરનાં અનેક સ્થળોએ બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકીઓ આપતા ઈમેલના કેસમાં મોટો ખુલાસો થયો છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે જાહેર કરેલી માહિતી અનુસાર આ ધમકીઓ મોકલવા માટે ઉપયોગમાં લેવાયેલા ઈમેલ એકાઉન્ટ્સ બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી સંચાલિત થઈ રહ્યા હોવાની વિગતો તપાસમાં સામે આવી છે. આ કેસની તપાસ દરમિયાન હેક કરાયેલા Gmail એકાઉન્ટ્સની ખરીદી અને વેચાણ સાથે સંકળાયેલા આંતરરાષ્ટ્રીય નેટવર્કની પણ માહિતી મળી છે.

હેક કરેલા ઈમેલ એકાઉન્ટ્સના આંતરરાષ્ટ્રીય નેટવર્કની તપાસ

સાયબર ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર ગુજરાત પોલીસે અગાઉ પશ્ચિમ બંગાળમાં આવી જ પ્રકારની ધમકીઓના કેસની તપાસ દરમિયાન એક આરોપીની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીએ હેક કરેલા Gmail એકાઉન્ટ્સ બાંગ્લાદેશના એક વ્યક્તિને વેચ્યા હતા. ત્યારબાદ બાંગ્લાદેશી હેન્ડલરે ક્રિપ્ટોકરન્સીના બદલામાં આ એકાઉન્ટ્સ પાકિસ્તાનમાં અન્ય વ્યક્તિને વેચી દીધા હોવાની વિગતો તપાસમાં બહાર આવી હતી.

તપાસ એજન્સીઓને આશંકા છે કે પાકિસ્તાનમાં બેઠેલા શંકાસ્પદો આ ઈમેલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને તહેવારો અને મોટા કાર્યક્રમો પહેલાં દેશમાં ગભરાટ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, આ નેટવર્ક પાછળના વાસ્તવિક આરોપીઓ અને તેમની ભૂમિકાની પુષ્ટિ માટે તપાસ ચાલુ છે.

7 ઓક્ટોબરે અમદાવાદનાં 16 સ્થળોને ધમકી

આ કેસની પહેલી ઘટના 7 ઓક્ટોબરે સામે આવી હતી. તે સમયે બે અલગ-અલગ ઈમેલ સરનામાં પરથી અમદાવાદનાં 16 સ્થળોએ બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપતા ઈમેલ મોકલવામાં આવ્યા હતા. આ સ્થળોમાં 10 શાળાઓ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની અન્ય કોર્ટ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો સમાવેશ થતો હતો.

ઈમેલમાં ખાલિસ્તાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાથે જ ગાયક દિલજીત દોસાંઝના 1 નવેમ્બરે દિલ્હીમાં અને 21 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા કાર્યક્રમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

સાયબર ક્રાઈમની ટેકનિકલ તપાસ અને ઈમેલ હેડરની તપાસમાં આ એકાઉન્ટ્સ બાંગ્લાદેશ અને પાકિસ્તાનના રાવલપિંડીથી સંચાલિત થયા હોવાની વિગતો સામે આવી હતી.

27 ઓક્ટોબરે ફરી 19 સ્થળોને નિશાન બનાવાયાં

બીજી ઘટના 27 ઓક્ટોબર, 2026ના રોજ નોંધાઈ હતી. આ વખતે અલગ ઈમેલ સરનામાં પરથી 19 સ્થળોને નિશાન બનાવીને ધમકીભર્યો સંદેશ મોકલવામાં આવ્યો હતો. તેમાં 14 શાળાઓ, સરકારી કચેરીઓ, કોર્ટ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો સમાવેશ થતો હતો.

આ ઈમેલમાં પણ ખાલિસ્તાનનો ઉલ્લેખ કરીને લોકોને 21 નવેમ્બરે યોજાનારા દિલજીત દોસાંઝના કાર્યક્રમમાં હાજરી આપવા સામે ચેતવણી આપવામાં આવી હતી. Gmail સંબંધિત માહિતી અને ટેકનિકલ તપાસના આધારે આ એકાઉન્ટ રંગપુર, બાંગ્લાદેશ અને લાહોર, પાકિસ્તાનથી સંચાલિત થયું હોવાની વિગતો તપાસમાં સામે આવી હતી.

અમદાવાદ સાયબર ક્રાઈમ અને કેન્દ્રીય એજન્સીઓની તપાસ

આ બંને ઘટનાઓમાં શહેરનાં શૈક્ષણિક સંસ્થાનો, કોર્ટ, સરકારી કચેરીઓ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ધમકી આપવામાં આવી હતી. વારંવાર ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવતાં તપાસ એજન્સીઓએ ટેકનિકલ પુરાવા અને ઈમેલ એકાઉન્ટ્સની કડીઓ તપાસવાનું શરૂ કર્યું હતું.

હાલમાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્કની તપાસ કરી રહી છે. તપાસનો હેતુ હેક કરાયેલા ઈમેલ એકાઉન્ટ્સ કોણે મેળવ્યા, ધમકીભર્યા સંદેશ કોણે મોકલ્યા અને આ પ્રવૃત્તિમાં અન્ય કોઈ વ્યક્તિ કે જૂથ સામેલ છે કે કેમ તે શોધવાનો છે. ધમકીઓ પાછળના જવાબદાર લોકો અંગે અંતિમ નિષ્કર્ષ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.