Gujarat Congress News: ગુજરાતમાં ડાયાલિસિસ ટેક્નિશિયનોની ભરતી અને તેમની શૈક્ષણિક લાયકાતને લઈને વિવાદ ઊભો થયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદ યોજીને આ મામલે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે વર્ષ 2023થી 2025ના CAG અહેવાલનો ઉલ્લેખ કરીને ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ટેક્નિશિયનોની ભરતીમાં રજૂ કરાયેલા પ્રમાણપત્રોની માન્યતા અંગે તપાસ કરવાની માગ કરી છે.

કોંગ્રેસના પ્રવક્તાના જણાવ્યા અનુસાર ઇન્ડસ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝિસ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) હેઠળ ચાલતા ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામમાં 250થી વધુ ડાયાલિસિસ સેન્ટરો પર કુલ 662 ટેક્નિશિયનોની ભરતી કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે આમાંથી 52 ટકા જેટલા ટેક્નિશિયનોએ ‘ભારત સેવક સમાજ’ નામની સંસ્થાનાં પ્રમાણપત્રો રજૂ કર્યાં હતાં. તેમના જણાવ્યા અનુસાર આ પ્રમાણપત્રોની માન્યતા અંગે CAGના અહેવાલમાં સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

346 ટેક્નિશિયનોનાં પ્રમાણપત્રો અંગે સવાલો

ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયાના જણાવ્યા અનુસાર આશરે 346 ટેક્નિશિયનો દ્વારા રજૂ કરાયેલા ભારત સેવક સમાજનાં પ્રમાણપત્રોની માન્યતા અંગે ઓડિટમાં પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે લાયકાત સાબિત કરતા જરૂરી દસ્તાવેજી પુરાવાના અભાવને કારણે આ પ્રમાણપત્રોને માન્ય ગણવા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી છે.

કોંગ્રેસે સવાલ કર્યો છે કે જો પ્રમાણપત્રોની માન્યતા અંગે પ્રશ્નો હોય તો ભરતી સમયે તેમની ખરાઈ કરવામાં આવી હતી કે નહીં તેની તપાસ થવી જોઈએ. જોકે આ પ્રમાણપત્રો ખરેખર નકલી છે કે નહીં અને સંબંધિત ટેક્નિશિયનો નિર્ધારિત લાયકાત ધરાવે છે કે નહીં તે તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

ડાયાલિસિસ ટેક્નિશિયનની લાયકાત અંગે શું કહ્યું?

કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ડાયાલિસિસ ટેક્નિશિયનની ભરતી માટે શૈક્ષણિક લાયકાત અને જરૂરી તાલીમનું પાલન થવું જોઈએ. તેમણે ભૂતકાળની ભરતીમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સાથે એકથી બે વર્ષનો ડિપ્લોમા ધરાવતા ઉમેદવારોની નિમણૂક થતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જો પૂરતી લાયકાત કે તાલીમ વિના કોઈ વ્યક્તિને ડાયાલિસિસ ટેક્નિશિયન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હોય તો કિડનીની બીમારીથી પીડાતા દર્દીઓની સુરક્ષા પર તેની શું અસર પડી શકે? તેમણે સંબંધિત પ્રમાણપત્રોની ચકાસણી અને ભરતી પ્રક્રિયાની તપાસ કરવાની માગ કરી હતી.

આઉટસોર્સ ભરતીના ઓફર લેટર અંગે પણ સવાલ

ડૉ. કઠવાડિયાએ IKDRC દ્વારા તાજેતરમાં ડાયાલિસિસ ટેક્નિશિયનોની ભરતી આઉટસોર્સ કરવામાં આવી હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમના દાવા મુજબ સંબંધિત સંસ્થા દ્વારા આપવામાં આવેલા ઓફર લેટરમાં ખાસ નોંધ તરીકે લખવામાં આવ્યું હતું કે ઉમેદવારે નિમણૂકના એક વર્ષની અંદર ધોરણ 12 પાસ કરવાનું રહેશે.

આ મુદ્દે તેમણે સવાલ કર્યો હતો કે શું કેટલીક જગ્યાએ ધોરણ 12ની લાયકાત પૂર્ણ ન કરી હોય તેવા ઉમેદવારોને પણ ભરતી કરવામાં આવી રહ્યા છે? તેમણે સરકારને આ ભરતીની શરતો ઉમેદવારોની લાયકાત અને આઉટસોર્સિંગ એજન્સીની કામગીરીની તપાસ કરવા જણાવ્યું હતું.

સરકારને તપાસ અને કડક કાર્યવાહી કરવાની માગ

કોંગ્રેસે ડાયાલિસિસ ટેક્નિશિયનોની ભરતીમાં રજૂ કરાયેલા પ્રમાણપત્રોની ચકાસણી કરવા ભારત સેવક સમાજનાં સંબંધિત તાલીમ કેન્દ્રોની તપાસ કરવા અને જો કોઈ ગેરરીતિ જણાય તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.

ડૉ. કઠવાડિયાએ જણાવ્યું હતું કે ડાયાલિસિસ જેવી સંવેદનશીલ તબીબી સેવા માટે પૂરતી લાયકાત અને તાલીમ ધરાવતા કર્મચારીઓની નિમણૂક થવી જરૂરી છે. તેમણે સરકારને આ મામલે તાત્કાલિક પગલાં લેવા અને દર્દીઓને સુરક્ષિત સારવાર મળે તે સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.

હાલમાં આ મુદ્દે કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો અને CAG અહેવાલના ઉલ્લેખના આધારે ભરતી પ્રક્રિયા અંગે તપાસની માગ કરવામાં આવી છે. પ્રમાણપત્રોની વાસ્તવિક માન્યતા ભરતીમાં કોઈ ગેરરીતિ થઈ છે કે નહીં અને તેની જવાબદારી કોની છે તે અંગે સત્તાવાર તપાસના પરિણામો સામે આવ્યા બાદ જ સ્પષ્ટતા થઈ શકશે.